ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ચરોતરની ચૈતન્ય ધરા.. સોજીત્રા નગર

ચરોતરની ચૈતન્ય ધરા એ માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ ભારતવર્ષ અને દુનિયામાં તેની સમૃદ્ધિ માટે મશહુર છે. ચરોતરની ધિંગીધરાનું પાણી એવું તો ખમતીધર છે કે, આજે દુનિયાનો કોઈ છેડો આ ધરતીના સપૂત વિનાનો  ભાગ્યે જ હોય !

આવી ચરોતરની ધરાના વિશિષ્ટ નગરોની યાદી તૈયાર કરવામાં આવેતો સોજીત્રા નગરનું નામ સરતાજ સ્થાને આવે. સોજીત્રા નગરના અતિતનું વિહંગાવલોકન કરવામાં આવે તો તેની ભવ્યતાથી તેની શાનનો અંદાઝ આવે. આવા સોજીત્રા નગરના વતનીઓને આ નગરના વતની હોવાનુ ગૌરવ અવશ્ય થાય જ.

અગાઉના સમયમાં સોજીત્રા નગર ગુજરાતના મહત્વના નગરોની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતું હતું. ગુજરાતના પાટીદારોમાં ચરોતરના પાટીદારોનો રુઆબ અનેરો હતો. આ કોમના વિવિધ ગામોના જથ્થાઓ ગોળના નામે ઓળખાતા.સોજીત્રા નગરના પાટીદારો છ ગામના પાટીદારો તરીકે ઓળખાય છે. ચરોતર વિસ્તારમાં લેઉઆ પાટીદારોની કોમમાં છ ગામના પાટીદારોનુ સ્થાન અગ્રણી ગણાય છે. તેમા પણ  આ નગરના દીકરાઓ તો "કેસરિયા" તરીકે જાણીતા હતા. આ નગરની વિશિષ્ટ શાનના કારણે અગાઉના સમયમાં અન્ય ગામના પાટીદારો તેમની દીકરીઓને સોજીત્રા પરણાવવા માટે સ્વપ્ના સેવતા અને ખુબજ આગ્રહી રહેતા.અને જો આ નગરમાં તમની દીકરીનું લગ્ન થાય તો તેને ધન્ય સમજતા અને તેઓનો પણ મોભો વધી જતો .આવી શાન આ નગરની હતી.આ નગરની અન્ય જ્ઞાતિઓમાં પણ પાટીદાર જ્ઞાતિની સમાંતરે તેમની શાખ પણ ઉંચેરી અંકાતી હતી. અને સોજીત્રામાં દીકરીઓને આપવા માટે ખાસ પ્રકારની હોડ જોવા મળતી.આવો હતો સોજીત્રા નામનો પ્રભાવ.


સોજીત્રા નગરમાં તેની શાખને અનુરૂપ માળખાકીય સુવિધાઓ અન્ય નગરના અપેક્ષાઓએ લગભગ ઘણી પહેલી શરુ થયેલી હતી.પીવાના પાણીનું વોટર વર્કસ અને ભૂગર્ભ ગટરની કામગીરી આ નગરની ખાસ ઓળખ ગણાતી.સોજીત્રની પાણીની ટાંકીનું બાંધકામ થયું ત્યારે આજુબાજુના વિસ્તારોમાંથી કુતુહલતાની દ્રષ્ટિએ તેની ઊંચાઈ અને બાંધકામને જોવા ટોળેટોળાં આવતા.આની ઉપરથી પણ નગરની અગાઉના સમયમાં મળેલી આવી આગોતરી સુવિધાઓનો અંદાઝ આવે. મોટા બજારમાં કાપડ અને સોનાચાંદીના વ્યાપારની જાહોજલાલીની કારણે આજુબાજુના સમગ્ર મુલકના ગ્રાહકો અહીંથી જ ખરીદી કરીને સંતોષ અનુભવતા. અનાજ કરિયાણા બજાર અને સોનાકારી,કુમ્ભ્કારી, કડિયા, સુથારી, લુહારી તેમજ હુન્નરના અન્ય વ્યવસાયો પણ આ નગરના નામની શાખ અને  અગ્રતામાં અભિવૃદ્ધિ કરતા. હાથ વણાટના ઉત્પાદનો પણ તેની ઉમદા ક્વોલીટીના કારણે જાણીતા હતા.

ચરોતરની શિક્ષણની સંસ્થાઓમાં સોજીત્રાની એમ.એમ.હાઈસ્કુલનું નામ સમગ્ર ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાં ગણાતું.આજુબાજુના ગામોમાંથી વિદ્યાર્થીઓ અહી ભણવા માટે ખાસ આવતા.આ હાઈસ્કુલ ખુબ જ જાણીતી અને જૂની સંસ્થા તરીકે ગામની શાનને વધારતી હતી. આ સ્કૂલના શિક્ષીત અનેકાનેક વિદ્યાર્થીઓએ ભારતભરમાં તથા વિશ્વના લગભગ અનેક દેશોમાં ડોક્ટર્સ,ઈજનેર, ચાર્ટર એકાઉન્ટન્ટ, વિજ્ઞાન, કલા,સાહિત્યના ક્ષેત્રે તથા અનેક પ્રકારના પ્રોફેશનલ અને વ્યાપારમાં આગળ વધીને આ ગામને અને સ્કૂલને ગૌરવ અપાવેલ છે. શિક્ષણક્ષેત્રે આ વિસ્તારના તમામ નગરોની સરખામણીમાં સહુ પ્રથમ છોકરાઓ તથા છોકરીઓની અલગ અલગપ્રાથમિક અને માધ્યમિક શાળાઓની શરૂઆત પણ આ નગરમાં થઇ હતી. ગામના સ્ટેશન રોડ ઉપર આવેલી ઐતિહાસિક બોર્ડીન્ગનુ મકાન આ ગૌરવવંતિ વાતની સાક્ષી પુરાવે છે. તદુપરાંત આ નગર ગાયકવાડી હોવાના કારણે માતબર અલભ્ય પુસ્તકોના ભંડાર ધરાવતી વિશાળ પુસ્કાલય આ નગરની આગવી ઓળખ હતી.નગરનો જ્યુબીલી બાગ એ ઘરેણાં સમાન તથા રૂપ રૂપની અંબાર કન્યાજેવી રમણીયતા ધરાવતો હતો, તથા બાળક્રિડાંગણમા બાળકોનો કિલ્લોલ આવતી કાલના ઉજળા દિવસોને આમંત્રણ આપતું હતું.


 સોજીત્રા નગરની તમામ ભાગોળોએ આવેલી વણઝારી વાવો,પીવાના પાણીના કુવાઓ, વિશાળકાય તળાવો ગામની ભવ્યતાને ચાર ચાંદ લગાડતા હતા.તો હરીકૃષ્ણનું મંદિર,ક્ષેમ કલ્યાણી માતાનું મંદિર,પ્રખ્યાત કુંડ, તળાવો અને જૈન મંદિરો નગરની સ્થાપ્ત્યતા અને ભવ્ય ભૂતકાળની આજે પણ ઝાંખી કરાવતા અણનમ યોધ્ધાની પેઠે વિદ્યમાન છે. ગામની દરેક ભાગોળે અને દરેક ખુણાઓ પર આવેલ મંદિરો અને શિવાલયો નગરના ધર્મપ્રેમની તથા ગામની અખંડ એકતાની ગવાહી આપે છે.જેમાં જ્યોતેશ્વર, જબરેશ્વર, મુક્તેશ્વર, રામનાથ, વૈદ્યનાથ અને ભીમનાથ વિ. મહાદેવના મંદિરો તથા અંબાજી, ખોડીયાર,મહાકાલી, વારાહી, અન્નપૂર્ણા તથા શિકોતર વિ.માતાના મંદિરો તથા પ્રાચીનતમ એવમ નગરની શાનસમા શ્વેતામ્બર અને દિગંબર વિશાળ જૈન મંદિરો સમસ્ત ગામની ધર્માનુરાગની ભાવનાઓના દર્શન કરાવે છે. નવનિર્મિત શ્રી સંતરામ મંદિર આ નગરની વણથંભી શ્રધ્ધાની તેમજ સર્જનાત્મક અભિગમના દર્શન કરાવે છે.

     આટઆટલી ભવ્ય ઝાંખીઓ આપતું આ નગર આજે કોઈ અનજાન અને અસાધ્ય રોગથી પીડાઈ રહ્યું હોય તેવો આભાસ નગરના પ્રવેશ અને નગરની મુલાકાત  દરમ્યાન થાય છે. સક્ષમ નેતૃત્વ અને સર્વાનુમતના આભાવે આ નગરના વિકાસને કોઈ ગ્રહણ લાગી  ગયું હોય તેવું ભાસે છે.અને નગરના હિતચિંતકો નગરના હિતને નહિ વિચારે તો ભાવિની પેઢીઓને વિકાસના આભાવે ઘણુ સહન કરવાનો વારો આવશે. નગરના વિકાસમાં રસ અને હિત ધરાવતા મહાનુભાવોએ હવે એકમત થઈને વિચારવાનો સાચો સમય ઓળખી લેવાની જરૂર છે. નહીતર આ નગર હજુ પણ વધારે અધોગતિએ પહોંચશે અને છેલ્લે નગરના અસ્તિત્વનો પ્રશ્ન પણ ગંભીર બનશે. નગરના હિતમાં સહુ એક થઈને મતભેદ જરૂર રાખજો કેમકે તે તંદુરસ્ત લોકશાહીની પ્રણાલી છે,પણ મનભેદને અલવિદા કરીને સંઘ શક્તિનો ઉપયોગ નગરના વિકાસમાં થાય તેવું અમલમાં મુકશો તો નગર માટે તે ઘડી મહામહોત્સવની ધન્યઘડી ગણાશે.

અંતમાં મારી કલમને વિરામ આપું તે પહેલા પરમપિતા પરમાત્માને અંતઃકરણની પ્રાર્થના કે સોજીત્રાનો એ કેશરીયો માહોલ પુનઃ સ્થાન પામે અને ભવ્યતા પુનઃસ્થાપિત થાય.

કાર્તિક ઝવેરી (યું એસ એ, ન્યુ જર્સી)

All right reserved by : ચરોતરનો અવાજ |