એક તરફ મોદી ચાહકોમાં વડાપ્રધાન પદની
ઉમેદવારીને લઈને ઉત્સુક્તા છે. તો બીજી તરફ મોદી વિરોધીઓ પાટલી બદલવાની અસમંજસમાં
મુકાયા છે. જેનુ ઉદાહરણ ભાજપના નેતા સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોષી છે. તો
બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીની
સ્થિતિ કુરૂક્ષેત્રમાં અંતિમ સમયે બાણોની શૈયા પર પડેલા ભિષ્મપિતામહ જેવી
છે.
ઘણા દિવસોથી મનાઈ રહ્યું છે કે ગુજરાતના
મુખ્યમંત્રીની વડાપ્રધાન પદની ઉમેદવારી ભાજપ તરફથી 17મી સપ્ટેમ્બરે પહેલા જાહેર
કરી દેવામાં આવશે. આરએસએસ અને ભાજપની સમન્વય સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ
અધ્યક્ષ રાજનાથ સિંહ મોટા ભાગે મોદી વિરોધી ખેમામાં ફરતા દેખાય છે. એક તરફ પાર્લામેન્ટ્રી બોર્ડમાં
મોટાભાગના સદસ્યો મોદીને સમર્થન કરી રહ્યાં છે. પરંતુ ભાજપના ભિષ્મપિતામહે મોદી
વિરોધી શંખનાદ કરીને યુદ્ધ છેડી દીધું છે. તો બીજી તરફ આરએસએસ શ્રીકૃષ્ણની ભૂમિકા
ભજવીને શાંત થઈ ગયું છે.
શુક્વારે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની
બેઠક છે જે ખાસ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોદીના નામને આખરી ઓપ આપવા માટે છે.
જેમાં પહેલો પ્રયત્ન સર્વસંમતિથી મોદીના નામનો સ્વીકાર થાય અને જો તેમ નહીં બને
તો વોટીંગથી મોદીના નામનું સમર્થન લેવામાં આવે તેવી શક્યતાઓ છે. પરંતુ ભાજપના
અધ્યક્ષ રાજનાથ સિંહ ગોવા જેવી સ્થિતિનું નિર્માણ થાય તેમ ઈચ્છી રહ્યાં નથી. જેથી
સર્વસંમતિ ફેંસલો થાય તે માર્ગે ચાલી રહ્યાં હતા. અને તેમાં તેમને સફળતા મળી ગઈ છે. પરંતુ એકમાત્ર અડવાણી કોઈપણ સંજોગોમાં સહમત નથી. જેથી
ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ અસમંજસની સ્થિતિમાં છે. તેમ છતાં આરએસએસના આદેશ અનુસાર 17મી સપ્ટેમ્બર પહેલા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર
મોદીનુ નામ જાહેર કરવાની જવાબદારી તેમને સોંપી દેવામાં આવી છે. વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામને સમર્થન પાર્લામેન્ટ્રી બોર્ડમાં વોટીંગ કરવાની સરળ રીતે મળી શકે તેમ છે. તેમ છતાં ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને થઈ રહેલો અત્તિમહત્વનો નિર્ણય સર્વસંમતિથી થાય તેમ ઈચ્છી રહ્યાં છે.
મોટાભાગે મોદીના નામને લઈને સર્વસંમિત બંધાઈ ગઈ છે. એક પછી એક અડવાણી ખેમાના નેતાઓને મનાવી લેવામાં આવ્યાં છે. અને હવે માત્ર મોદીને લઈને ભિષ્મપિતામહમાં સેવાઈ રહેલી ભીતિ દૂર કરવાના પ્રયત્નો 13મી સપ્ટેમ્બરે થશે. અને તે જ દિવસે બધું જ ઠેકાણે પડી જશે તેમ સુત્રો જણાવી રહ્યાં છે. અન ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે સર્વસંમતિથી મોદીના નામની જાહેરાત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કરી દવામાં આવશે.