તા.૧૩ નવેમ્બરનાં રોજ મહોરમ (તાજીયા)નો તહેવાર આવતો હોય ચરોતર પંથકમાં મુસ્લિમ બિરાદરો તાજિયા બની તૈયાર છે.મુખ્યત્વે દર વખતે મોહરમ તહેવારના બે મહિના અગાઉથી જ તાજિયાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. મોહરમના ચોથા ચાંદથી તાજિયા બેસાડવામાં આવશે. આગામી તા.14મી નવેમ્બરના રોજ કતલની રાત બાદ તા.15મી નવેમ્બરના રોજ શહેરના વિવિધ જળાશયોમાં તાજિયા ટાઢા કરાશે.
ઈસ્લામ ધર્મમાં ઈદને આનંદનો તહેવાર અને મોહરમને શોકનો તહેવાર કહે છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની ઘટના પ્રમાણે પયગમ્બરે ઈસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા( દોહિત્ર) હજરત હુસેને પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદતનો સ્વીકાર કર્યો હતો. જાણકારોના મતે ઈસ્લામના ચાર પવિત્ર મહિનાઓમાં મોહરમ મહિનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈસ્લામી (હિજરી સન)નો પહેલો મહિનો મોહરમ છે.
મુસ્લિમ બિરાદરોનું નવું વર્ષ મોહરમથી શરૂ થાય છે. મોહરમ પર્વની ઉજવણી ચરોતરમાં વિવિધ ઠેકાણે કરવામાં આવે છે. આ પર્વની આગલી રાતે એટલે કે 14મી નવેમ્બરે કતલની રાત મનાવામાં આવશે અને 15મી નવેમ્બરે યવમે આશૂરા મનાવામાં આવશે અને જે દિવસે ચરોતરમાં વિવિધ ઠેકાણે તાજિયાના જુલૂસ નીકળશે.
મુસ્લિમ બિરાદરોના મતે કતલની રાત્રે મોટા નગારાં સાથે નોબતની આસપાસ કુંડાળું રચીને યા હુસેન- યા હુસેનના પોકાર સાથે મુસ્લિમ બિરાદરોએ માતમ મનાવીને મોહરમ પર્વની ઉજવણી કરશે. હજરત ઈમામ હુસેને અસત્ય અને અધર્મની સામે લડત આપી શહાદત વહોરી લીધી હતી. તેઓની યાદમાં મુસ્લિમ બિરાદરો તાજિયા બનાવી માતર રમી કાળા વસ્ત્રો પહેરીને શોક વ્યક્ત કરે છે. જેમાં સુન્ની અને શિયા મુસ્લિમ બિરાદરો દ્રારા બે દિવસ રોજા રાખવામાં આવે છે. ઉપરાંત મુસ્લિમ બિરાદરો આ પર્વને આનંદ ઉલ્લાસ કે આનંદપ્રમોદને બદલે શોકમગ્ન રીતે સાદગીથી ઉજવવામાં આવે છે.
ચરોતર પંથકમાં વિવિધ ઠેકાણે નીકળતા તાજિયા
દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમના દિવસે ચરોતરના વિવિધ વિસ્તારોમાં તાજિયા ઝુલુસ નીકળશે. જેમાં નડિયાદ શહેરના શક્કરકૂઈ, ડભાણભાગોળ, પાંજરીઘરવાડ, મીરાંફિળયા, મોમીનવાડ પરિવાર સોસાયટી, મલેકવાડા, કસાઈવાડા, અબ્દાલવાડા, મજુરગામ,રફીક સોસાયટી, જૂનાં નવાં ગાજીપુરા વિસ્તારમાંથી તાજિયા ઝુલુસ નીકળે છે. આ તાજિયાને શહેરના અમદાવાદી દરવાજા પાસે બનાવેલ કરબલાના મેદાનમાં પાણી છાંટીને ઠંડા પાડવામાં આવે છે. મહુધા નગરમાં જુમ્મા મિસ્જદ પાસેથી તાજિયા ઝુલુસ નીકળે છે. ખેડા નગરના મલેકવાડા, સૈયદવાડા, અહેમદીનગર વગેરે વિસ્તારોમાંથી તાજિયા ઝુલુસ નીકળે છે. આ તાજિયા ઝુલુસ નગરના જાહેર માર્ગો ઉપર થઈને માતર રોડ પર આવેલ શેઢી નદીમાં ઠંડા પાડવામાં આવે છે.
બાલાસિનોરના કીરકીટવાડા, કસ્બા મહોલ્લો, કાજીવાડા, પઠાણવાડા, કાલુપુર વગેરે વિસ્તારમાંથી તાજીયા ઝુલુસ નીકળે છે. આ તાજિયા ઝુલુસ નગરના જાહેર માર્ગો પર ફરીને સુદર્શન તળાવે પહોંચીને તાજિયા ઠંડા પાડવામાં આવે છે. ઠાસરા તાલુકાના વાડદ ગામમાં રૂપિયાના સિક્કા, કાજુ-બિસ્કિટ અને ઝરીથી કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે.
આણંદ શહેરમાં 31 કળાત્મક તાજીયા નીકળે છે. ભાલેજ રોડ, મહેન્દ્ર શાહ હોસ્પિટલ, પાયોનીયર ચોકડી, ગુજરાતી ચોક થઈ મોડી સાંજે ગોયા તળાવ પહોંચે છે. અહીં તાજીયાને ઠંડા પાડવામાં આવે છે. આ ઝુલુસમાં મુસ્લિમ બિરાદરો ઉપરાંત હિન્દુ ભાઈઓ પણ મોટી સંખ્યામાં જોડાય છે. અને કોમી એખલાસનું ઉદાહરણ પુરૂ પાડે છે. બોરસદ નગરમાં ભોભાફળી, સૈયદટેકરા, વાવડી મહોલ્લા, મલેકવાડા વિસ્તારમાંથી નવ જેટલા તાજીયા નીકળે છે.
Article Written By
