ચીજ વસ્તુઓના ભાવ દિનપ્રતિદન વધી રહ્યાં
છે. હવે વધુ એક વધારો ટૂંકમાં ઝીંકાય તેવી શક્યતા દેખાઈ રહી છે. સુત્રો પાસેથી
મળેલી માહિતી મુજબ, દર મહિને દસ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
ડીઝલની કિંમતમાં માસિક સુધારાને ધ્યાનમાં
લેવામાં આવે તો કેન્દ્ર સરકાર હવે સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમતમાં માસિક અથવા
ત્રિમાસિક ગાળામાં વધારો કરવા વિચારી રહી છે. ડોલર સામે રૂપિયાની કિંમતમાં તીવ્ર
ઘટાડો થઈ રહ્યો છે. વૈશ્વિક ઓઈલની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે જેના લીધે સરકારના
મહેસૂલી તિજોરી ઉપર વધારાનો 300000 કરોડથી વધુનો બોજ પડી શકે છે જે સંકેત આપે છે
કે નાણાંકીય અને વર્તમાન ખાતાકીય ખાધમાં વધારો કરી શકે છે.
ટોચના સત્તાવાર સૂત્રે આજે આ મુજબની
માહિતી આપી હતી. સરકારી અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું હતું કે "આ ભાવવધારો દસ રૂપિયાનો અથવા ત્રિમાસિક રૂપે પચ્ચીસ રૂપિયાનો હોઈ શકે છે. એલપીજી
બિલમાં મહિને રૂપિયા દસના અથવા ત્રિમાસિક રૂપે પચ્ચીસ રૂપિયાના વધારાના તબક્કા ઉપર
હાલ ચર્ચા ચાલી રહી છે. અંતિમ નિર્ણય સમય અને પ્રમાણને ધ્યાનમાં લઈને લેવામાં
આવશે."
અધિકારીઓનું એમ પણ કહેવું છેકે સબસીડીવાલા
સિલિન્ડરનો સંખ્યા ઉપર મર્યાદા મૂકીને પણ આને હાંસલ કરી શકાય છે. આ ઉપરાંત સ્થાનિક
એલપીજી સિલિન્ડરોની કિંમતમાં સિસ્ટેમેટીક વધારો પણ કરવામાં આવી શકે છે. ડિઝલની
કિંમતમાં દર મહિને પચ્ચાસ પૈસાનો લીટર દીઠ વધારો થઈ રહ્યો છે આ પગલાંથી ફયુઅલ
સબસીડીને અંકુશમાં લઈ શકાય છે. એલપીજી સિલિન્ડરો ઉપર મર્યાદા મૂકીને પણ સ્થિતિને
હળવી કરી શકાય છે. મે મહિના સુધી આ સ્થિતિ ખુબ સારી હતી. આનાથી ફ્યુઅલ સબસીડીને અંકુશમાં
લેવાની સફળતા મળી હતી. પરંતુ રૂપિયામાં ફરી એકવાર ઘટાડો શરૂ થતાં હાલત કફોડી બની
છે. ડીઝલ ઉપર નુકસાન લિટર દીઠ ચારથી વધીને અગિયાર રૂપિયા થઈ ગયું છે જેથી વધારાનો
વધુ એક બોજ તૈયાર થઈ રહ્યો છે.
News Published By

Editor.Charotar@Gmail.com