ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

પાણીને પણ મોંઘવારી નડી !!

ચરોતર પંથકમાં છેલ્લા અઠવાડિયાથી પાણીના પાઉચ બે રૂપિયાના ભાવે ઠેર-ઠેર વેચાઈ રહ્યાં છે. જો કે આ ભાવવધારાથી પાણીના પાઉચ વેચી રહેલા વેપારીઓના નફામાં કોઈ ખાસ ફર્ક પડ્યો નથી. 


પાણી જીવનજરૂરિયાતની કુદરતી સંપત્તિ છે તેમ છતાં તેનું વેપારીકરણ દિવસને દિવસે વધી રહ્યું છે. આજથી દાયકા પહેલા માત્ર પચાસ પૈસાના ભાવે પાણીનો એક ગ્લાસ લારીઓ પર મળતો હતો. સમય જતાં તેનું સ્વરૂપ બદલાયું અને પાણી પ્લાસ્ટિકની કોથળીઓમાં મળતું થયું. એક રૂપિયાના ભાવથી શરૂ થયેલી પાણીની કોથળીઓ હવે બે રૂપિયાના ભાવ સુધી પહોંચી ગઈ છે.

જો કે ગરમીના દિવસોમાં સામાન્યપણે પાણીની કોથળીઓ બે રૂપિયે વેચાતી હોય છે પરંતુ ચરોતર પંથકમાં ચોમાસામાં જ પાણીના પાઉચ બે રૂપિયે વેચાતા થઈ ગયા છે. ભરઉનાળે પાણીના પાઉચ ચરોતર પંથકમાં એક રૂપિયે વેચાઈ રહ્યાં હતાં. પરંતુ છેલ્લા અઠવાડિયાથી ચરોતર પંથકમાં પાણીના પાઉચ બે રૂપિયાના ભાવે દરેક ઠેકાણે વેચાઈ રહ્યાં છે.

વેપારીઓના મતે એક તરફ પાણીના પાઉચને ઠંડા રાખવા માટે બરફ મોંઘો મળી રહ્યો છે. દિવસ દરમ્યાન રૂપિયા દસનો બરફ જતો હતો. પરંતુ હવે અંદાજે વીસ રૂપિયા સુધીનો બરફ પાણીના પાઉચને ઠંડા રાખવામાં જતો રહે છે. જ્યારે એક તરફ પાણીના પાઉચમાં વપરાતી પ્લાસ્ટિકની કોથળીમાં મૂળ પ્લાસ્ટિકનો વધી રહેલો ભાવ અસર કરી રહ્યો છે. જેથી ઉત્પાદકને કિંમત વધારવાની ફરજ પડી રહી છે.

પહેલા જે પાણીના પાઉચ 25 રૂપિયા 50 નંગ મળતા હતા. તે હવે દુકાનદારોને 35 રૂપિયા 50 નંગ મળતા થયા છે. અને તેની પાછળ દિવસ દરમ્યાન 20 રૂપિયાનો બરફ જાય છે. જેથી દર પાઉચે વીસ પૈસા સુધીની આવક થાય છે. જે પહેલા જેટલી જ છે. પરંતુ વધી ગયેલા બરફ અને પ્લાસ્ટિકના ભાવે પાણીના પાઉચમાં સીધી અસર કરી છે.

ચરોતર પંથકમાં એવી સેવાભાવી સંસ્થાઓ છે જે ઠંડા પાણીનું મફત વિતરણ કરે છે. પરંતુ તે પ્રકારની સંસ્થા મોટાભાગે ઉનાળા દરમ્યાન સેવા આપે છે. જો કે આ ભાવવધારો વીસમી ઓગષ્ટથી લાગુ થવાનો છે તેમ છતાં ચરોતર પંથકના બજારોમાં પાણીના પાઉચ બે રૂપિયાના ભાવે અઠવાડિયા અગાઉથી વેચાઈ રહ્યાં છે કારણકે ઉત્પાદકોએ એક મહિનાથી જ પાણીના પાઉચ પર બે રૂપિયા એમઆરપી છાપી દીધી છે જેના આધારે દુકાનદારો લોકો પાસેથી પાણીના પાઉચ માટે બે રૂપિયા વસૂલી રહ્યાં છે.

ચરોતરવાસીઓ શું કહે છે

વ્યાજબી ભાવે , પાણીનો વહેપાર યોગ્ય છે , પણ પાણીના પાઊચના કેટલાક વહેપારીઓ ૨ રૂપિયા વસુલ કરે છે તે અયોગ્ય છે, કેટલાક તકવાદી વહેપારીઓ પાણીની બોટલના ૨૦ થી ૨૫ રૂપિયા લેતા પણ ખચકાતા નથી મુખ્યત્વે યાત્રાધામ અને હાઈ-વે ઉપર કાર્યરત હોટલોના સંચાલકો પાણીનો ભાવ વધારે વસુલ કરતા હોય છે, અને આવી જગ્યાએ ગ્રાહક ગરજના મારે ગમેતે ભાવે પાણી ખરીદ કરતા હોય છે.
રાકેશ પંચાલ
News Published By


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |