વિધાનગરની પ્રજા તંત્રની આડેધડ કામગીરીથી
નિરાશ થયું છે. નગરપાલિકા દ્રારા લાખોના ખર્ચે બનાવેલા આર.સી.સી રસ્તા તોડાઈ
રહ્યાં છે. જોકે તંત્રનું કહેવું છેકે ગટર લાઈનની ગ્રાંટ પાસ થઈ છે જેથી જૂના
રસ્તા તેમજ જ્યાં ગટર લાઈન ન હોય તેવા રસ્તાઓને તોડવામાં આવી રહ્યાં છે. ત્યારે
પ્રજાને એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે તંત્રને ગ્રાંટ પસાર કરાવીને રસ્તા તોડવા અને
જોડવામાં જ રસ છે. પરંતુ પ્રજાને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેની કોઈ ચિંતા
નથી.
વિધાનગર નગરપાલિકા દ્રારા કેવી રીતે આડેધડ
આયોજન થઈ રહ્યાં છે. તેમનો જીવતો પુરાવો વર્તમાન સમયમાં જોવા મળી રહ્યો છે. થોડા
મહિના અગાઉ લાખોના ખર્ચે જે આર.સી.સી રોડ બનાવામાં આવ્યા હતા. તેને તોડવાની ફરજ
પડી છે. તેને તોડવાનું કારણ માત્ર એટલું જ છેકે ગટર લાઈનની ગ્રાંટ પાસ થઈ ગઈ છે.
જેથી ગટર લાઈનનું કામકાજ શરૂ કરવા માટે અનેક વિસ્તારોના નવા બનાવેલા આર.સી.સી
રોડને તોડવાની ફરજ પડી છે.
કામગીરી પર નજર
વિધાનગરના વિવિધ વિસ્તારોમાં તોડાઈ રહેલા
રસ્તાઓની હાલત એકદમ સારી છે. વિધાનગર નગરપાલિકા દ્રારા અગાઉ નાના બજાર, બેંક ઓફ
બરોડા, ભાઈકાકા લાયબ્રેરી, આરકેટેક કોલેજ, શાસ્ત્રી મેદાન રોડ, પોલીટેકનીક કોલેજ,
જ્ઞાન પ્રચાર આશ્રમ મોહીની કોર્નર, યુનિ.ફુવારા, રુદ્રાક્ષ કોર્નર વગેરે સ્થળોએ ગત
વર્ષે લાખો રૂપિયાના આર.સી.સી માર્ગ બનાવ્યા હતાં.
આ માર્ગોની કોંકરી પણ ખરી નથી તેવા મજબૂત
સ્થિતમાં હાલત છે પરંતુ સરકારી તંત્ર દ્રારા ગટર લાઈનની ગ્રાંટ મંજૂર થતાં
નગરપાલિકા દ્રારા નાના બજારથી બેંક ઓફ બરોડા ચોકડી થઈ ભાઈ કાકા લાયબ્રેરી થઈ
આરકીટકે કોલેજ, શાસ્ત્રી મેદાન, ચરોતર વિધામંડળની ઓફીસથી પોલીટેકનીક કોલેજ થઈ
લીમડા રોડ ધોબીઘાટ જ્ઞાન પ્રચાર આશ્રમ સુધી અને મોહીની કોર્નરથી યુનિ.ફુવારા થઈ
ન્યુ હોસ્ટેલના પાછળવાળા રોડથી રુદ્રાક્ષ કોર્નર સુધી અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન
કામગીરી શરૂ થવા પામી છે.
જોકે આ કામકાજને પગલે હાલમાં ગત શુક્વારની
સાંજથી જ આ માર્ગો જેસીબી મશીનથી તોડી નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જ્યારે વાહન ચાલકો માટે આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.
પાલિકા તંત્ર શું કહે છે.
વિધાનગર નગરાપાલિકાના સુત્રોએ આ અંગે
જણાવ્યું હતું કે 4.50 કરોડના ખર્ચે ગટરલાઈનની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે.
હાલમાં જે રોડ તોડાયા છે તે જૂના છે અને જે વિસ્તારમાં ગટર લાઈનની કામગીરી બાકી છે
તે રસ્તાઓ તોડાઈ રહ્યાં છે.. જોકે અગાઉ બનાવેલા માર્ગો ખર્ચ વ્યર્થ ગયો હોવા અંગે
તેઓએ સ્પષ્ટતા કરી ન હતી.
પ્રજા
શું કહે છે.
વિધાનગર નગરપાલિકા દ્રારા આડેઘડ આયોજન
કરાતા થોડા મહિના અગાઉ બનાવેલા લાખો રૂપિયાના આર.સી.સી રોડ તોડવાની ફરજ પડી છે.
હાલમાં ગટર લાઈનની કામગીરી કરવાના બહાને નવા બનાવેલ માર્ગો તોડવામાં આવાત લાખો
રૂપિયાની ગ્રાંટો ખોટી રીતે વ્યર્થ ગઈ હોવાનો નગરજનો જણાવી રહ્યાં છે.
અગાઉ પાલિકા દ્રારા ગટર લાઈનની કામગીરી
કર્યા બાદ આર.સી.સી રોડ બનાવવાનું આયોજન ચોક્સાઈપૂર્વક કરવામાં આવ્યું નથી. જેથી તો થોડા મહિના અગાઉ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ
આર.સી.સી રોડ તોડવાની ફરજ પડી છે. નગરપાલિકાના સત્તાધીશોના આડેઘડ આયોજનના પગલે
પ્રજાના લાખો રૂપિયાનો ધુમાડો થઈ જવા પામ્યો હોવાનો નગરજનો રોષ વ્યક્ત થઈ રહ્યો છે.
Photo By Iqbail Saiyad, Reporter, Anand