છેલ્લા પખવાડીયાથી ભાદરવા મહિનાના આકરા
તાપથી લોકો ત્રસ્ત બની ગયા છે. પરંતુ હવે ઋતુ પલટાવાનો બીજો પડાવ શરૂ થઈ ચૂક્યો
છે. જેની અસર શુક્વારની મધ્યરાત્રિથી જોવા મળી છે હજુ બે ચાર દિવસ વાદળછાયું
વાતાવરણ રહેશે અને ત્યાર બાદ ફુલગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ જશે.
ઓક્ટોમ્બર મહિનો શરૂ થવાને ગણતરીના દિવસો
બાકી રહ્યાં છે. ત્યારે દરેક લોકો ઈચ્છી રહ્યાં છે કે આ વખતે ઠંડક ગત વર્ષની જેમ
રહે. ગત વર્ષે ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતે જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તેવી જ
ઠંડી આ વખતે જોવા મળશે તેમ તજજ્ઞો જણાવી રહ્યાં છે.
ગુરૂવારથી દિવસ ટુંકો થવાની શરૂઆત થઈ છે.
અને જે ઋતુ પરિવર્તનનો પહેલો પડાવ હતો. જ્યારે બીજો પડાવની શરૂઆત શુક્રવારની
મધ્યરાત્રિએ જોવા મળ્યો હતો. શુક્વારે રાત્રે બે વાગ્યા પછી ગુલાબી ઠંડીનો દોર શરૂ
થઈ ગયો હતો. જેની અસર શનિવારની સવારે જોવા મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દર વર્ષે
25મી સપ્ટેમ્બરથી મધ્યરાત્રિની ગુલાબી ઠંડીનો દોર શરૂ થાય છે. ગયા વર્ષે 18મી
સપ્ટેમ્બરથી સામાન્ય ઠંડીનો દોર શરૂ થયો હતો. જે 25મી સપ્ટેમ્બર પછી વધ્યો હતો. આ
વખતે 20મી સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી ગુલાબી ઠંડીનો દોર શરૂ થયો છે. આ દોર તા 25મી
સપ્ટેમ્બરથી એકદમ ઘટ્ટ બની જશે. અને ઓક્ટોમ્બરની શરૂઆતથી દિવસની સામાન્ય ઠંડી પણ
શરૂ થશે.