અનેક વખત એવું બને છે કે જ્યારે મંત્રી
આવે છે ત્યારે જ તંત્ર અઠવાડિયા અગાઉ જાગે છે. જાણે કે સુવિધાઓ માત્ર મંત્રીઓના નસીબમાં
જ લખાય છે. બાકી તો પ્રજાના નસીબમાં ડિસ્કો કરાવતા રસ્તાઓના ખાડા અને ગંદકી જ
લખાયેલી છે. આવો જ એક કિસ્સો વાપી શહેર ખાતે પ્રકાશમાં આવ્યો છે.
ચાલુ વર્ષે ગણેશ ચતુર્થના દિવસે 23 નવરચિત
તાલુકાઓને જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં આવેલ પારડી
તાલુકામાંથી વાપીને નવરચિત તાલુકાની મંજૂરી મળી છે. જેથી વાપીજનોમાં વર્તમાન
સમયમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે. જેના ભાગરૂપે વાપી શહેરમાં 17મી સપ્ટેમ્બરના રોજ ઉજવણી થવાની છે.
આમ તો ગણેશ ચતુર્થીના દિવસે જે 23 નવરચિત તાલુકાઓ
જાહેર કરવામાં આવ્યાં છે. તે દરેક ઠેકાણે 17મી સપ્ટેમ્બરે ઉજવણી થઈ રહી છે. જે
પ્રસંગે આ તમામ ઠેકાણે રાજ્ય સરકારના કોઈને કોઈ મંત્રી મુખ્ય અતિથિ વિશેષ તરીકે
હાજરી આપવાનાં છે. નોંધનીય છે કે 17મી સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર
મોદીનો જન્મદિવસ પણ છે.
પરંતુ વાપીમાં પરિસ્થિતિ તદ્દન વિપરિત જોવા
મળી છે. જે તંત્ર વર્ષો સુધી કુંભકર્ણની નિંદ્રામાં પડી રહ્યું હતું તેને 17મી સપ્ટેમ્બરેની ચિંતાએ જગાડી દીધું હોય તેવું જણાયું. જે સ્થાનિય પ્રશ્નો માટે વર્ષોથી મૌખિક
અને લેખિત રજૂઆતો થઈ રહી હતી. તેનો ઉકેલ ગણતરીના દિવસો આવી રહ્યો છે. લોકોના મતે
શહેરમાં વીઆઈપી નેતાઓ 17મી સપ્ટેમ્બરે આવી રહ્યાં છે જેથી રોડ રસ્તા ઠીક થઈ રહ્યાં
છે. પરંતુ તે સાથે લોકોમાં રોષની લાગણી પણ છે. કારણ કે મંત્રીનો કાફલો જે રસ્તા પરથી પસાર થવાનો છે માત્ર તે રસ્તાને જ ઠીક કરવામાં આવ્યો છે.
વાપી શહેરમાં 17મી સપ્ટેમ્બરે અંબે માતા
મંદિરની બાજુમાં આવેલા રામલીલા મેદાન ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપતભાઈ
વસાવા મુખ્ય મહેમાન તરીકે આવી રહ્યાં છે. જેથી પોતાની લાજા રાખવા અને વીઆઈપી
નેતાઓને કોઈ તકલીફ ન પડે તે કારણોસર પી.ડબ્લ્યુ.ડી વિભાગ ભરનિંદ્રામાંથી જાગી
ગયું હોય તેમ જણાઈ રહ્યું છે.
વાપી શહેરમાં ગાર્ડન
સર્કલથી મોરારાજી સર્કલ સુધીનો માર્ગ મંડપ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. અને
કાફલો જ્યાંથી પસાર થવાનો છે તે માર્ગે ખાડા પુરવાનું અને પેચવર્કનું કામ કરીને ઠીક કરી દેવામાં આવ્યો છે. વાપી શહેરમાં અનેક ઠેકાણે રસ્તાઓ વાહનચાલકોને ડિસ્કો કરાવી રહ્યાં છે. જેની ફરિયાદો અનેક વખત કરવામાં આવી છે. તેમ છતાં તંત્રએ કામગીરી કરી
નથી. પ્રજાના પૈસા મંત્રીઓની આવતા સ્વાગતા કરવામાં જ વપરાય છે તે જોઈને
પ્રજા રોષે ભરાઈ છે. સ્થાનીક લોકો ઈચ્છી રહ્યાં છે કે તંત્ર પોતાની પોલમપોલનો
ઢાંકપીછોડો કરવા માટે સત્વરે જાગ્યું છે તેવી કામગીરી સ્થાનીય લોકોની પરેશાની દૂર કરવા માટે જાગે તે ઈચ્છનીય છે.
ચાલુ વર્ષે ભારે
વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો ધોવાયા છે. વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થતાં
વાહનચાલકો અને રાહતદારીઓને મુશ્કેલી પડી રહી છે. વાપી શહેર તથા જીઆઇડીસી વિસ્તારના
રસ્તાઓની બદતર હાલત થતાં સ્થાનિકોમાં રોષની લાગણી પ્રવર્તી છે.વાપી નગરપાલિકા
વિસ્તારના કેટલાક માર્ગો ભારે વરસાદના કારણે ધોવાયા છે. તેમ છતાં તંત્ર માત્ર મંત્રીનો કાફલો જે રસ્તેથી પસાર થવાનો છે તે માર્ગને જ ઠીક કરવામાં રસ છે. જેથી લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.
Tejas Desai, Reporter, Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com