આ વખતે ગુજરાતમાં સરકારી તંત્રેએ ઈક્રો ફ્રેન્ડલી
ગણેશોત્સવ માટે સવિશેષ ભાર મુક્યો છે. જેની અસરથી ચાલુ વર્ષે મોટાપાયે લોકોએ
માટીના શ્રીગણેશજીની પ્રતિમાની પધરામણી કરાવી છે. આ ઉપરાંત વિસર્જન પણ ઈકો
ફ્રેન્ડલી ઢબે કરવામાં આવી રહ્યું છે.
અનેક લોકોના મનમાં સવાલ પેદા થઈ રહ્યો છે કે ઈકો ફ્રેન્ડલી ગણેશજી વિસર્જનનો વિચાર કોની દેન છે. તો તમને જાણતાં આનંદ થશે કે આ વિચાર વિદેશમાં વસેલા ભારતીયોની દેન છે. જરૂરિયાત જ આવિષ્કારની જનની છે. તેવી જ પરિસ્થિતિ વિદેશમાં વસેલા શ્રદ્ધાળુ ભારતીયો સાથે સર્જાઈ હતી. વિશ્વના દરેક ખૂણે ભારતીયો વસવાટ કરે છે. અને તે દેશના કાયદા કાનૂન અનુસાર રહેવું તે પણ ભારતીયોની ફરજ છે. જોકે મોટાભાગના દેશોમાં ભારતીયો દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરે છે. જેમાં અમેરિકા સ્થિત ભારતીય લોકો પણ ગણેશોત્સવની ઉજવણી કરે છે પરંતુ ત્યાં કાયદા આપણાથી ધણા અલગ છે જેથી ત્યાં જાહેર જળાશયમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા દેતા નથી. એટલે ત્યાં ભારતીય લોકો અપાર્ટમેન્ટની બહાર જ નાનકડો ખાડો ખોદી તેમાં પાણી ભરી નાનકડો કૃત્રિમ ટાંકો બનાવી તેમાં ગણેશની મૂર્તિનું વિસર્જન કરે છે. તે ઈકો ફ્રેન્ડલી વિસર્જનની થીમ અહીં પણ લોકો અપનાવી રહ્યાં છે.
અમુક શહેરોમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીના વિસર્જનને રહીશોએ આવકાર્યો છે. જેમાં વાપી શહેરમાં છરવાડા રોડ સ્થિત રાજ
રેસીડેન્સી એપાર્ટમેન્ટના રહીશો દ્રારા ગણેશોત્સવની ઉજવણી ઈકો ફ્રેન્ડલી કરવામાં
આવી હતા તે સાથે સાત દિવસ પૂર્ણ થતાં ગણેશજીને માનભેર
ઈકો ફ્રેન્ડલી ઢબે વિસર્જિત કરવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
જોકે રહીશોના મતે અન્ય સોસાયટીના રહીશો આ
પ્રકારની પ્રેરણા લે તે હેતુથી જ ઈકો ફ્રેન્ડલી થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં
આવી હતી. જે માટે પ્રારંભિક તબક્કે તૈયારીઓ કરી દેવામાં આવી હતી. એપાર્ટમેન્ટના રહીશો દ્રારા એક ટાંકી
લાવવામાં આવી હતી. જેમાં ગણેશજીની પ્રતિમાને વિસર્જિત કરી શકાય તેવા કદની ટાંકીની
પસંદગી કરવામાં આવી હતી. જેમાં દરેક ઘરની તાંબાના લોટામાં પાણી મંગાવામાં આવ્યું
હતું અને તેનાથી સંપૂર્ણ ટાંકી ભરવામાં આવી હતી. આ ઉપરાંત ગંગાજળ પણ ઉમેરવામાં
આવ્યું હતું. સોસાયટી પરિસરમાં જ વિસર્જન યાત્રા તેમજ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન
કરવામાં આવ્યું હતું. રહીશોના મતે ગણેશજીની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો
જોડાયા હતા. અને અમારા પ્રયત્નોને વધાવી લીધો હતો. જેનો અમને આનંદ છે.
Tejas Desai, Reporter, Vapi