ગુજરાત સરકારને ભષ્ટ્રાચાર તેમજ હત્યારી ગણાવીને તે મુદ્દે મુખ્યમંત્રી પદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાજીનામું આપશે તેવી ઈચ્છા સાથે બંધનું એલાન કરનારી ગુજરાત કોંગ્રેસને સ્વયંભૂ બંધનું સમર્થન જનતા તરફથી મળ્યું નથી. તેના અનેક પુરાવા બંધના દિવસે મળી રહ્યાં છે.
દિવસ દરમ્યાન સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતાં. કોઈ જગ્યાએ પોલીસના ડબ્બા તેમની રાહ જોઈને બેઠા હતા. બંધ કરાવાની કોશિશ કરે તે પહેલા જ તેમને ડબ્બામાં ભરીને લઈ જવાયા હતા. કોઈ જગ્યાએ રેલી સ્વરૂપે, પુતળા દહન કરતા નજરે પડ્યા છે. રાજકોટમાં સાંસદ કુંવરજી બાવળિયા પદયાત્રા કરીને જાહેર જનતાને બંધના એલાનમાં જોડાવવા અપીલ કરતા નજરે પડ્યાં તો અન્ય શહેરોમાં બસોને બંધ કરવાની કે પછી તોડફોડ કરવાની ફરજ પડી.વાપી શહેરમા્ં કોંગ્રેસ કાર્યકર્તાઓ બંધ કરાવા નીકળ્યાં ત્યાં જ પોલીસનો ડબ્બો રાહ જોઈને બેઠો હતો.
ગુજરાત બંધ ને સમર્થન ન મળવાના કારણો
રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે કે આ એક રાજકીય સ્ટંટ હતો. કોંગ્રેસ આ મુદ્દે પ્રજાના ખભે બંદૂક મુકીને ગોળી ફોડવાની કોશિશ કરી છે. જો કોંગ્રેસ આ મુદ્દે પ્રજા સમક્ષ ગંભીર રીતે રજૂ કરવાની જરૂર હતી. લોકોની રોજીરોટી પર એક દિવસનો બ્રેક મારીને તમે સરકાર પર દબાણ લાવીને રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરો તો પ્રજા તમને સમર્થન કેવી રીતે કરી શકે. હોઈ શકે ભાજપા અને કોંગ્રેસના કાર્યકર્તાઓની નજરે આ બંધ સફળ કે અસફળ હોઈ શકે પરંતુ આ બંધમાં આમ આદમીનો લાભ થાય તેવું કશું જ ન હતું.
રોજગારી કે બેરોજગારી, શિક્ષણનો મુદ્દો હોત તો કદાચ રસ પડી શકે તેમ હતું પરંતુ આ નકલી એકાઉન્ટર અને ડી.જી વણઝારાની ચિઠ્ઠીના સહારે લોકો સરકારનો વિરોધ કરશે તે મુદ્દામાં કોઈ દમ ન હતો. કોંગ્રેસના ગઢ સમાન ચરોતરમાં પણ કોંગ્રેસને બંધ રખવામાં ફાંફાં પડી ગયા છે તેમ છતાં સંપૂર્ણ બંધનો દાવો કરી શકે તેમ નથી.
જાગૃત નાગરિકોના મતે
કોંગ્રેસે આ મુદ્દે આમરણાંત ઉપવાસ કરવાની જરૂર હતી. તે માટે દરેક જિલ્લામાંથી અગ્રણી નેતાને આમરણાંત ઉપવાસ પર બેસી જવાની જરૂર હતી અને કદાચ ધીરે ધીરે પ્રજાનું ધ્યાન કોંગ્રેસ તરફ દોરવામાં તેમને સફળતા મળી શકે તેમ હતું. પરંતુ કોંગ્રેસને એક જ દિવસમાં રાજકીય સ્ટંટ કરવાનું નક્કી કરીને બેઠી હોય તેમ બંધનું એલાન કરી દીધું.
જેમ કોઈ ડૉક્ટર દર્દની દવા ખોટી આપી દે તેમ રાજકીય નેતાઓ આ વખતે ફરી પ્રજાને સમજાવામાં ભુલ કરી દીધી છે. વર્તમાન સમયમાં મોંઘવારી માર સહન કરી રહેલા આમ આદમીને એવા નેતાની જરૂર છે જે રોજિંદા જીવનમાં આવી રહેલી તકલીફોને સમજીને તે મુદ્દે રાજનીતિ કરે અને પ્રજાને સુંદર ભવિષ્યની ખાત્રી આપી શકે અને તે માટે લડવા સમર્થ હોય. અને કદાચ તે ભરોસો જીતવામાં કોંગ્રેસ ઘણી પાછળ રહી ગઈ છે. જે તેમને સુંદર ભવિષ્યની ખાત્રી આપી શકે.
Tejas Desai & Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com