વલસાડ જિલ્લાના વાપી શહેરમાં કોપર સલ્ફેટનો વેપારી ર કરોડની ઉચાપત કરી ફરાર થઈ ગયો છે. છેતરપિંડીનો ભોગ બનેલા લોકો આજે શુક્વારે ગુજરાત બંધના દિવસે ફરિયાદ કરવા ગયા હતાં ત્યારે પોલીસો બંધમાં વ્યસ્ત હોવાથી ફરિયાદ નોંધવામાં ન આવી.
વાપી શહેરમાં અનેક લોકો પાસે વ્યાજ અને ઓછા સમયમાં રૂપિયા વધારે કમાવાની લાલચ આપીને કોપર સલ્ફેટનો વેપારી ઉચાપત કરીને ફરાર થઈ ગયો છે. અંદાજે ર કરોડ રૂપિયાની ઉચાપત કરીને ફરાર થયેલો આ વેપારી કોપર સલ્ફેટની ફેક્ટરી વાપી ખાતે હોવાનું જણાવ્યું હતું. લોભામણી વાતો કરીને અનેક લોકોને છેતરવામાં સફળ બની ગયો છે. આ વેપારી ફરાર થઈ ગયો હોવાના સમાચાર વહેતા થવાની સાથે જ ધીરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે જ્યારે ભોગ બનેલા લોકો વાપી પોલીસ મથકે પહોંચ્યા ત્યારે ગુજરાત બંધના પગલે પોલીસ અધિકારી બંદોબસ્તમાં વ્યસ્ત હોવાના કારણે ફરિયાદ શનિવારે નોંધવાનું જણાવ્યું હતું. જેથી છેતરપિંડીના ભોગ બનેલા લોકો નિરાશ થયા હતાં.
વાપી આ અગાઉ પણ વી.સી સ્કીમ અને વ્યાજના નાણાં લઈ ફરાર થઈ જવાના કિસ્સા બની જવા પામ્યાં છે. તે ઠગ હજુ સુધી પોલીસના હાથે ઝડપાયા નથી તેવી પરિસ્થિતમાં વધુ એક ઠગનો ઉમેરો થવા પામ્યો છે.
વાપીમાં બનેલા ઠગીના કિસ્સાઓ
વર્ષ 2013ના જુલાઈ મહિનામાં ગુંજન સ્થિત સુપર ટ્રાવેલ્સની ઓફિસમાં બેસીને લોકોનો વિશ્વાસ સંપાદન કરીને કાર વેચાણે લઇ તથા સસ્તી કાર વેચાતી આપવાના નામે અડધા કરોડ રૂપિયાનું કરી નાખીને દિલ્હીનો ઠગ ફરાર થઇ ગયો હતો.
વર્ષ 2011ના નવેમ્બર મહિનામાં વાપી નજીકના ચણોદ કોલોનીમાં આવેલા જૈન દેરાસરમાં ફરજ બજાવતા પૂજારી અને તેની પત્નીને બે હિન્દીભાષી ઠગ ભગતોએ વાકચાતુર્યથી ભોળવી પૂજારીની પત્ની પાસે કબાટમાંથી પોણાબાર તોલા સોનાના દાગીના કઢાવ્યા બાદ નજર ચૂકવી બંને ઠગ ભગતો ભાગી છૂટયા હતા.
Tejas Desai, Reporter, Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com