ગુજરાત સહિત ચરોતર પંથકમાં પણ રવિવારની
રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. સર્વત્ર વરસી રહેલા તોફાની વરસાદે સામાન્ય માણસને
ગરમીથી રાહત તો ખેડૂતો માટે મુશ્કેલી વધારી દીધી છે.
ચરોતર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે
વિરામ લીધો હતો અને જેના કારણે છેલ્લા ત્રણ ચાર દિવસથી વાતાવરણમાં ભારે ગરમી અને
બાફ વધી જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતાં.પરંતુ રવિવારની સાંજે સાત કલાકથી
વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને ઝરમર વરસાદ શરૂ થઈ જવા પામ્યો હતો. જોકે
શુક્રવારથી જ વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. જેથી મનાઈ રહ્યું હતું કે
ટૂંકમાં વરસાદ પડવાની શક્યતા છે. જોકે રવિવારની સાંજથી સતત વરસાદ વહેતા વાતાવરણમાં
ઠંડક પ્રસરી જવા પામી છે.
બાલાસિનોર પંથકમાં બે કલાકમાં 87મી.મી
વરસાદ તૂટી પડ્યો હતો. જેની અસરથી તળાવની પારી તૂટી જતાં પાણી રોડ અને શાળા પરિસરમાં
ભરાઈ ગયા છે. અચાનક આવેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ ખેડૂતોના પાકને
નુકસાન થયું છે. ઉભે ઉભો પાક બેસી જવા પામ્યો છે.
ઉલ્લેખનીય છેકે અગાઉ હવામાન વિભાગે આગાહી
આપી હતી કે ઋતુ પરિવર્તનું છેલ્લુ ચક્ર હજુ બાકી છે. જેમાં વરસાદ પડવાની શક્યતા
દર્શાવામાં આવી હતી. અને તે સાથે ઓક્ટોમ્બર મહિનાથી ઠંડી શરૂ થશે તેમ જણાવવામાં
આવ્યું હતું.
એક તરફ પંથકમાં અનેક બિમારીઓની પથારીઓ થઈ છે. તેવી પરિસ્થિતિમાં વરસાદના કારણે થયેલા કાદવ-કિચડ અને ભરાયેલા પાણીનો નિકાસ તંત્રએ સત્વરે કરવો પડશે. નહીં તો બિમારીઓની પથારીમાં અનેકગણો વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.