ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ગુજરાતના તેજસ્વી યુવાને બનાવી અનોખી સવારી

દિવસને દિવસે જે પ્રકારે પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેને જોતા લાગી રહ્યું છે કે ગણતરીના વર્ષોમાં મધ્યમવર્ગની સવારી એવી બાઈક પણ પોષાય તેમ રહેશે નહી. તેવી પરિસ્થિતિમાં જો સાયકલ તમને ઓછા ખર્ચે જલ્દીથી તમારે ઠેકાણે પહોંચાડવા માટે સક્ષમ બની જાય તો ?

ઈતિહાસ પ્રમાણે સાયકલની શોધ થયા પછી તેના મૂળ સિદ્ધાંતમાં કોઈ પરિવર્તન જોવા મળ્યું નથી. આજે પણ તે સિદ્ધાંતના આધારે હવાની ગતિએ ચાલતી બાઈક પણ હજૂ બે પૈંડાની મદદે જ દોડે છે. કહેવાય છે કે વિશ્વની સૌપ્રથમ સાયકલ સ્કોટલેન્ડના એક લુહાર કર્કપેટ્રિક મેકમિલને સન 1839 માં કરી હતી. આ ઉપરાંત બેટરીની ઉર્જાથી ચાલતી ઈલેક્ટ્રિક સાયકલ પણ ઉપલબ્ધ છે. પરંતુ તેની કિંમત ઘણી ઉંચી છે. તેવી પરિસ્થિતિમાં સામાન્ય માણસને આ પ્રકારની મોંઘી સાયકલ પરવડે નહીં. 

પરંતુ ભારતીયોને નિરાશ થવાની જરૂર નથી. કારણ કે ભારતનું યુવાધન કેટલું તેજસ્વી છે તેનું ઉદાહરણ ગુજરાતમાં મળ્યું છે. ગુજરાતના યુવાને અનોખી મોપેડ સાયકલ બનાવી છે. જે  બાઈકની ગતિએ રસ્તા પર દોડે  છે અને તેને કોઈ પણ ઈંધણની જરૂરિયાત નથી. 

ગુજરાતનાં જ મોરબી જીલ્લામાં આવેલા વાંકાનેર જેવા નાના શહેરનાં એક સાયકલ રીપેરર અબ્દુલ્લાહ ઉર્ફ સદ્દામખાને પોતાની રેન્જર મોડલની સાયકલમાં સરળ પણ નવી જ ટેકનીકથી એવી સાયકલ બનાવી છે જે ન માત્ર સામાન્ય ખર્ચમાં જ બની છે પરંતુ સાયકલની ગતિ પણ એટલી છે જે સામાન્ય મોપેડ બાઈકની હોય.




ફક્ત 9 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર 22 વર્ષીય અબ્દુલ્લાહ એટલો ભણેલ-ગણેલ તો નથી પણ સાયકલ ક્ષેત્રે તેના અનુભવને કારણે તેણે આ કાર્ય કરી બતાવ્યું છે. વાંકાનેરમાં અબ્દુલ્લાહનાં પિતાની સાયકલની દુકાન છે. અબ્દુલ્લાહ અહીં ત્યારથી સાયકલનું સમારકામ શીખી રહ્યો છે જયારે તે નાનો હતો. આ વ્યવસાયમાં તે પોતાની દુકાને હાલ ચોથી પેઢીએ છે અબ્દુલ્લાહનાં દાદા અને દાદાના પિતા પણ આ જ વ્યવસાય સાથે જોડાયેલા હતા.

અબ્દુલ્લાહએ પોતાની રેન્જર સાયકલમાં 500 થી 600 રૂપિયાના મામુલી ખર્ચે સાયકલનાં હેન્ડલ અને આગલા વ્હીલમાં થોડા ફેરફાર સાથે આ ગતિશીલ સાયકલનું નિર્માણ કર્યું છે જેમાં તેણે સામાન્ય સાયકલનો થોડો સર-સામાન તેમજ મોટરસાયકલનાં હેન્ડલ, હેન્ડલ બાર જોઈન્ટ, મીટર ચેઈન અને એક્સીલેરેટર વાયરનો પણ ઉપયોગ કર્યો છે. આ નવી શોધમાં સાયકલનો મૂળ ઉર્જા સ્ત્રોત હેન્ડલ બાર પર બંને હાથનાં દબાણ પર આધારિત હોય અબ્દુલ્લાહે પોતાની આ સાયકલને "હેન્ડ પાવર પ્લસ" નામ આપ્યું છે અને પ્રાયોગિક ધોરણે યુ-ટ્યુબ પર તેનો વિડીયો પણ અપલોડ કર્યો છે. જેને વીડિયો  અહીં  જોઈ શકાય છે.

અબ્દુલ્લાહ પોતાની નવરચિત સાયકલ વિષે વાત કરતા જણાવે છે કે "આ સાયકલના આગલા વ્હીલમાં સામાન્ય સાયકલનું પાછલું હબ, ફ્રી-વ્હીલ અને ચેઈન વ્હીલ ફીટ કરવામાં આવ્યું છે અને તેને હેન્ડલ બાર સાથે વાયર્સ અને સ્પ્રિંગ વડે એવી રીતે જોડવામાં આવ્યું છે કે હેન્ડલ બાર પર બંને હાથો દ્વારા હળવું દબાણ આપવાથી આગલું વ્હીલ આપ મેળે ચાલવા લાગે છે અને તે વધુ ગતિથી ચાલે તે માટે હેન્ડલ બાર ને વિશેષ લંબાઈવાળું બનાવાયું છે. ઉપરાંત આ સાયકલની એક ખાસિયત એ પણ છે કે હેન્ડલ બાર ને મુખ્ય જોઈન્ટ સાથે એ રીતે મજબૂતીથી જોડવામાં આવ્યું છે કે હેન્ડલ બાર ને ઉપર-નીચે મુવમેન્ટ કરવા છતાં આરામથી સાયકલ પર સંતુલન જળવાઈ રહે છે."

સાયકલની ગતિ વિષે અબ્દુલ્લાહનું કહેવું છે કે "આ સાયકલને સામાન્ય સાયકલની જેમ પગ વડે પેડલ ફેરવીને સામાન્ય ગતિમાં લાવવાની રહે છે ત્યારબાદ હેન્ડલ બાર પર બંને હાથોના દબાણ વડે અપ-ડાઉન કરવાથી સાયકલ એટલી ગતિ પકડી લે છે કે પછી પગ દ્વારા પેડલ લગાવવાની જરૂર નથી રહેતી છતાં જો પેડલ ઉર્જાને પણ ઉપયોગમાં લઇ લેવામાં આવે તો સાયકલ કોઈપણ જાતના ઇંધણનાં ઉપયોગ વિના  સામાન્ય મોપેડ બાઈકની ગતિએ દોડવા લાગે છે."

અબ્દુલ્લાહનાં મંતવ્ય અનુસાર આ થીયરી અને ટેકનીકના આધારે માત્ર થોડા ફેરફાર સાથે સામાન્ય સાયકલમાં આ સુવિધા 'પ્લસ' કરી શકાય તેમ છે અને જો દેશની હીરો,એટલાસ, હરક્યુલસ જેવી કંપનીઓ આ 'હેન્ડ ડ્રાઈવ' થીયરી પર નવા મોડલ વેચાણમાં મુકે તો તેની કિંમત પણ મધ્યમ વર્ગને પરવડે તેટલી રહે. તે સિવાય આ સાયકલનો અન્ય એક મોટો ફાયદો એ પણ છે કે તેમાં હાથ અને પગ બંનેની ચાલક ઉર્જાનો સમન્વય થતો હોવાથી લાંબુ અંતર કાપવા છતાં પગનો થાક ઓછો લાગવા ઉપરાંત બંને હાથોના મસલ્સની પણ કસરત થાય છે.

Ilyaskhan Pathan, Reporter, Wakaner
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |