ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ
ટેક્નોલોજી (ચારૂસેટ) દ્રારા ચારૂસેટ ગ્રામીણ શૈક્ષણિક વિકાસ યોજના ઘડવામાં આવી
છે. આ યોજનાનો શુભારંભ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં
કરવામાં આવ્યો હતો.
આ યોજનાનો મુખ્ય હેતુ પાયાના શિક્ષણના
ઘડતર અર્થે ચરોતરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. જે પ્રસંગે ઉપસ્થિત
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ફક્ત
વિચારો જ નહીં પરંતુ વિચારોનું આચરણ અગત્યનું પાસું છે.
મનાઈ રહ્યું છે કે આ યોજનાથી દેશના વિકાસ માટે જરૂરી એવું પાયાનું શિક્ષણ ગામડાંઓમાં પ્રાપ્ય બનશે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યૂટર જેવા અગત્યના વિષયોની તાલીમ આપવામાં અગત્યની ભૂમિકા અદા કરશે.
યોજનાની વિશેષતા
આ યોજનામાં આધુનિક ઢબે ટેક્નોલોજીના
માધ્યમથી અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને કોમ્પ્યૂટરને લગતાં વિષયોનું શિક્ષણકાર્ય
થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. વૈશ્વિક શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ
અને અધ્યાપનકાર્ય માટે માર્ગદર્શન આપવામાં આવશે. શાળાઓની પ્રયોગશાળાઓનો અભ્યાસક્રમ
અનુસાર વિકાસ કરવામાં ભાર આપવામાં આવશે. પુસ્તકાલયો અને આધુનિક માહિતી સંસાધનોનો
વિકાસ કરવામાં આવશે. શિક્ષકોને તેમજ વિધાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે.