ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ગૌમાતાની જવાબદારી કોણ લેશે !!

ચરોતર પંથકના બે મુખ્ય શહેરોમાં રખડતાં પશુઓનો ત્રાસ વધી જવા પામ્યો છે. શહેરોના મુખ્ય રસ્તાઓ પર ચોવીસ કલાક રખડતાં પશુઓ કબજો જમાવીને બેઠા છે. જેથી વાહનચાલકો અને રાહદારીઓને ધણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તે રખડતાં પશુઓમાં સૌથી વધારે સંખ્યા ગાયની છે.


ચરોતર પંથકના આણંદ શહેરની આણંદ શહેરની ગણેશ ચોકડી હોય કે બોરસદ ચોકડી સર્કલ, ચારેય તરફ ગાયો ઘેરાયેલી જોવા મળે છે, જેથી વાનવ્યવહારમાં તો અડચણ ઊભી થાય જ છે, સાથે સાથે વાહનચાલકો અને રાહદારીઓ માટે આ રખડતાં પશુઓ ઘાતક પુરવાર થઇ રહ્યા છે. તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્રારા કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં નથી. જ્યારે પાલિકા તંત્રને કામગીરીનું દબાણ થાય છે ત્યારે વીસ પચ્ચીસ રખડતાં પશુઓને પકડીને સંતોષ માની બેસે છે. અને ગણતરીના દિવસોમાં ફરી તેવી જ પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે.

જ્યારે તંત્ર રખડતાં પશુઓને પકડે છે ત્યારે તેના પશુપાલક પાસેથી અમુક નજીવી રક્મ દંડ પેટે વસુલવામાં આવે છે.  નડિયાદ અને આણંદ શહેરોમાં રખડતાં પશુઓની ભરમાર દેખાઈ રહી છે તેમ છતાં તંત્રની કામગીરી આ બાબતે ધૃતરાષ્ટ્ર જેવી બની છે. શહેરોના મુખ્યમાર્ગ પર પશુ અચાનક આવી જતાં નાના-મોટા અકસ્માતો પણ થાય છે. તો અમુક વખતે ઝઘડા પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. જેમ કે આણંદ જિલ્લાના ખંભાત શહેર ખાતે ગાંગડીયા તળાવ પાસે ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં નવા માર્કેટયાર્ડની પાછળ ખેતરમાંથી રખડતી ગાયો નહી કાઢવા બાબતે ઠપકો આપતાં બે પરિવારો સામસામે આવી ગયા હતાં. અને તેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેથી આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. જેમાં પોલીસ ફરિયાદ પણ થવા પામી હતી.

હિન્દુ સંસ્કૃતિમાં માતા સ્વરૂપે પુજાતી ગૌમાતાને પશુપાલકોની બેજવાબદારીનો ભોગ બનવું પડે છે. તેવો એક કિસ્સો વર્ષ 2011ના નવેમ્બર મહિનામાં લોટીયા ભાગોળ વિસ્તારમાં બન્યો હતો. જેમાં રાજેશ્રી સિનેમા તરફ જવાના પાછળના રસ્તા ઉપર આવેલ એક કૂવામાં ગાય અકસ્માતે ત્રીસ ફૂટ ઉંડે પડી ગઈ હતી અને ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડના જવાનોને ગૌમાતાને કાઢવામાં સફળતા મળી હતી.

તો બીજી તરફ ચરોતર પંથકના નડિયાદ શહેરના મુખ્ય રસ્તાઓ પર ઢોરરાજનો નજારો જોવા મળે છે. દરેકે દરેક શેરી અને મુખ્ય રસ્તાઓ ખાતે રખડતા પશુઓનો કબજો દેખાય છે. નડિયાદના મુખ્ય રસ્તાઓ તેમજ શેરીઓ ભૌગોલિક રીતે ઘણા નાના છે .તેમાં અવ્યવસ્થિત પાર્કિગ ચરોતર પંથકના મુખ્ય શહેરોમાં જન્મજાત છે. તેમાં વળી રખડતાં પશુઓ રાહદારીઓ અને વાહનચાલકોની મુશ્કેલીઓમાં વધારો કરી દે  છે. નડિયાદ શહેરમાં આ બાબતે અનેક વખતે રજૂઆતો થઈ છે તેમ છતાં પાલિકા તંત્ર તરફથી કોઈ જ પ્રકારની કાર્યવાહી નક્કર સ્વરૂપે જોવા મળી નથી.

પશુપાલકો પાસેથી મળતી માહિતી મુજબ, જ્યારે કોઈ પશુ દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યાર બાદ પશુપાલક તેની જવાબદારીથી છોડી દે છે અને પશુને ખુલ્લું છોડી દે છે. જેથી ભુખ્યાં પશુ શાક માર્કેટ, સોસાયટીઓના રસ્તે તેમજ બજારોમાં ખોરાકની શોધમાં ભારે પ્રમાણમાં એકત્ર થઈ જાય છે. અને તંત્ર જાગે ત્યારે મોટાભાગના પશુપાલકો તેમને છોડાવી લે છે કારણે કે તેમને છોડાવાનો દંડ ઘણો નજીવો હોય છે. અને ફરી પાછા બજારોમાં ખુલ્લા મુકી દે છે. અને જો કોઈ બિમાર પશુ હોય અને તેની દુધ આપવાની ક્ષમતા ખતમ થઈ ગઈ હોય તો પશુપાલક તેના પશુને તંત્રને હવાલે કરવાના ઈરાદે ખુલ્લું મુકી દે છે જેથી તેની જવાબદારી ત્યાં જ ખતમ થઈ જાય.

દિવસને દિવસે રખડતાં પશુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં મુખ્યત્વે ગાય અને આંખલાઓની ભરમાર છે. નડિયાદ શહેરમાં ઠેર ઠેર ખાડાઓમાં ગાય પડી ગઈ હોય તેવા અંસખ્ય કિસ્સાઓ અત્યાર સુધીમાં બની ગયા છે. તેવી નાની-મોટી ઘટનાઓમાં સ્થાનીય રહીશો કે  પછી દુકાનદારોએ ગાયને ખાડામાંથી કાઢવાના પ્રયત્નો કરે છે.દુધની નગરીમાં ગૌમાતાની સ્થિતિ પીડાદાયક છે તો  સાક્ષરભુમિમાં ગૌમાતા પ્રત્યે અજ્ઞાન બની બેઠી છે.

News Published By   CNA TEAM, 
For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |