મળતી માહિતી મુજબ, દરગાહમાં વિધિ કરવા આ બાળકીની બલી આપવામાં આવી હતી. બાળકનું ફોગાઈ ગયેલ માથાનો ભાગ મળતાની સાથે જ પોલીસ તંત્ર સક્રિય બની ગયું હતું. જેમાં પ્રારંભિક તબક્કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટથી બાળકીની હત્યા મ્હોં તથા નાક દબાવીને થઈ હોવાનું ઉજાગર થવા પામ્યું હતું . ત્યાર બાદ પોલીસ તપાસમા બાળકીની માતા વીણા ખોખરવાડની રહેવાસી છે. જેનું નામ બિલકીશબાનું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાળકીના માતાએ કપડા તથા ફોટોગ્રાફના આધારે મૃતક બાળકીને ઓળખી લીધી હતી. તે સાથે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે આ અઢી વર્ષની બાળકીને સીંઘાલી ગામના રસીદમીયા બચુમીયા મલેકને સાચવવા માટે છેલ્લા દોઢ મહિનાથી આપી હતી.
જેથી રસીદમીયા બચુમીયાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જે પોલીસને હાથે ચઢી જતાં મૃતક બાળકી મામલે વધુ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તાંત્રિક વિધિ કરવા માટે 22મી ઓગષ્ટના રોજ અંધજ ગામના ઉસ્માનશા બાપુ તથા અનવરશા તેમજ જાવેદ ઉર્ફે મંગાએ અઢી લાખની લાલચ આપી હતી. જેથી તેણે અઢી લાખના બદલામાં આ બાળકી સોંપી દીધી હતી. અને તાંત્રિક વિધિ દરમ્યાન બાળકીનું મોત નિપજ્યું હતું. જેથી તેની લાશનો નિકલ કરવા માટે રસીદમીયા બચુમીયા તથા જાવેદખાન પઠાને ગામની સીમમાં મેલડી માતાના મંદિર સામે પુજાભાઈ બબુભાઈ પટેલના ખેતરમાં ખાડો કરી દાટી દીધી હતી.
આ ખુલાસા બાદ આરોપી રસીદમીયાની અટક કરવામાં આવી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને પૂછપરછ દરમ્યાન ઉજાગર થયેલા આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે મૃતક બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ 11મી ઓગષ્ટના રોજ ઈ.પી.કો.કલમ 302,301 હેઠળ ગુનો નોંધ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી.
માતાએ કેમ આપી બાળકી
પોલીસે જણાવ્યું હતું કે નડિયાદ તાલુકાના વીણા ગામે રહેતી બીલકીશબાનુ હસમખાન પઠાણ પોતાની બે વર્ષીય દીકરી સુલતાનાબાનુને લઈને રેલવેમાં ભીખ માંગવાનો ધંધો કરતી હતી. તે આણંદ, નડિયાદ, વડોદરા, અમદાવાદ, મહેસાણા સુધી ભીખ માંગવા જતી હતી. અને રાત્રે રેલવે સ્ટેશન ઉપર જ સુઈ જતી હતી. ગત મહિને પંદરમાં રોઝાના દિવસે તેને સીંગાલી ગામે રહેતો રસીદમીયાં બચુમીયાં મલેક મળ્યો હતો તે વખતે તે નડિયાદ રેલવે સ્ટેશનના મુસાફર ખાનામાં સુતી હતી. રસીદને તે ધર્મનો ભાઈ માનતી હતી. રસીદે બીલકીશભાનુને જણાવ્યું હતું કે તારી આ બે વર્ષની દીકરી તું મને સોંપી દે જેથી હું તેનો ઉછેર કરું. અહીંયા તારી પાસે હશે તો મોટી થતાં જ કોઈ ઉઠાવી જશે. અને આ દીકરી મોટી થયા બાદ હું તને સોંપીશ. એટલે બીલકીશે પોતાની દીકરી સુલાતાનાબાનુને ધરમના ભાઈ રસીદ મલેકને સોંપી હતી.
પોલીસને સફળતા કેવી રીતે મળી
મૃતક બાળકીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે ગુનો નોંધી દીધો હતો. અને પોતાનું નેટવર્ક સક્રિય કરી દીધું હતું. આ દરમ્યાન જ કેટલીક વ્યક્તિઓ દ્રારા પોલીસને સામાન્ય જાણ થઈ હતી કે બાળકીની બલી દરગાહમાં આપવામાં આવી છે. એટલે પોલીસે પોતાના બાતમીદારો ગોઠવી દીધા હતા. જેમાં ધીમે ધીમે બધી વિગતો મળતી થઈ ગઈ હતી.
Subhan Shekh, Reporter, Nadiad
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com