છેલ્લા ઘણા સમયથી શાંત થઈ રહેલા આણંદની અંધારી આલમમાં ફરી સળવળાટ શરૂ થયો છે. હાલમાં આણંદમાં કોઈ ગેંગ કાર્યરત ન હોય અમદાવાદના બે શખ્સો છેલ્લા સપ્તાહથી આણંદમાં આંટા મારતા થઈ ગયા છે.
સીએનએના સુત્રોના જણાવ્યા અનુસાર, આણંદના બુટલેગર સ્વ.અબ્દુલકરીમ વેપારી ઉપર વર્ષ 2000માં હુમલો કરનાર બે અમદાવાદના ખુંખાર અપરાધીઓ છેલ્લા સપ્તાહથી આણંદ આવવા લાગ્યા છે. તેમણે આણંદના બે જૂના અને જાણીતા અડ્ડા ચલાવનાર વ્યક્તિઓને ત્યાં ઘુસી જઈને તેમની પાસે રીતસર 50 ટકાની ભાગીદારી માંગી હતી. જેમાં એક અડ્ડાવાળાએ તો સામેના એક વ્યક્તિને લાફો પણ ઝીંકી દીધો હતો.
ગઈકાલે રાત્રે લગભગ એક વાગ્યા સુધી પોલીસન ચોકડી પાસે આ લોકો વચ્ચે વાતચીત પણ થઈ હતી. બીજી બાજુ સ્ટેશન નજીક એક વ્યક્તિને ત્રણ દિવસ ધંધો બંધ રાખવો પડ્યો હતો. છેલ્લા સપ્તાહથી અમદાવાદની ટોળકી આણંદ અવર જવર કરતી હોય અત્યારે અંધારી આલમનું વાતાવરણ ડહોળાવવા લાગ્યું છે. અત્યારે આણંદમાં કોઈ ખુંખાર બુટલેગર નથી કે જેના નામની ધાક હોય જેથી આણંદના અન્ય શહેરોના કોઈ પણ હાવી મવાલી આવી ચઢવા લાગ્યા છે. જે શહેરના હિતમાં નથી એટલે પોલીસ આવા લોકો પર નજર રાખી તેને જબ્બે કરવા જરૂરી થઈ ગયા છે. જો એમ નહીં થાય તો બહારના આ તત્વો આણંદને બાનમાં લેશે. અને છેલ્લા ચારેક વર્ષથી એકદમ શાંત થઈ રહેલા આણંદ પાછું ખળભળશે. આ બાબતની જાણ ત્યારે થઈ જ્યારે આણંદના અડ્ડા માલિકો પાસે બે ખુંખાર અપરાધીઓએ 50 ટકાનો ભાગ માગતાં મારામારી થવા પામી હતી. પોલીસનું ભરણ ચાલું હોવા છતાં નવી પરિસ્થિતિ સર્જાતા વર્તમાન સમયમાં અડ્ડાવાળાઓમાં ખોફ ફેલાયો છે.