ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

બાપ્પાનો જન્મદિન, ઠેર ઠેર પધરામણી

નવમી સપ્ટેમ્બરે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીનો દિવસ છે. જે દિવસથી ગણેશ મહોત્સવની ઉજવણી દેશભરમાં શરૂ થશે.  ભાદરવા સુદ ચોથ ભગવાન શંકર અને માતા પાર્વતીનાં લાડકવાયા પુત્ર શ્રી ગણેશનો જન્મદિન છે.

સોમવારે ગણેશ ચતુર્થીના રોજ સારા ચોઘડિયામાં ગણેશજીની સ્થાપના કરાયા બાદ વિધ્નહર્તાને પોતાના વિધ્નો હરવા માટે ભક્તો દ્રારા પ્રાર્થના કરવામાં આવશે. આ વખતે ચરોતર પંથકના આણંદ અને ખેડા જિલ્લામાં કુલ 1440 સ્થળોએ ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.

 મહિમા

શાસ્ત્રોમાં આજનાં દિવસને ખુબ જ મહત્વપુર્ણ ગણવામાં આવ્યો છે. હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ છે કારણ કે ગણેશજી બુદ્ધિ, સુખ, સમૃદ્ધિ અને વિદ્યાના દાતા છે. તેમની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવ્યું છે. ધાર્મિક આસ્થાથી શ્રી ગણેશ વિઘ્નહર્તા છે. માનવામાં આવે છે કે તે ખરાબ સમય, સંકટ અને વિઘ્નોને ભયંકર સ્વરૂપમાં અંત કરે છે. આસ્થા સાથે સંકળાયેલ આ વાત વ્યવહારિક જીવનને એક સૂત્ર બનાવે છે. આજે ગણેશજીની આરાધના કરવાનો સુવર્ણ અવસર છે ત્યારે ગણેશજીની ભક્તિમાં લીન થઈ પોતાને સમર્પિત કરી દઈએ.
 

પંથક ભક્તિમય બન્યું 
છેલ્લા એક અઠવાડિયાથી ગણપતિની મૂર્તિઓ ખરીદવાની તૈયારીઓ ચાલી રહી હતી. ખેડા જિલ્લામાં 463 ઉપરાંત સ્થળો વિધ્નહર્તા વિનાયકની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જે પૈકી નડિયાદ શહેરમાં 126 કરતા પણ વધારે જગ્યાઓએ ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. સોમવારે શુભ ચોઘડિયામાં ગણપત્તિ બાપ્પા મોરિયાના જયઘોષ વચ્ચે ગણેશજીની સ્થાપના કરી ઉજવણીનો શુભારંભ કરાયા બાદ દસ દિવસ સુધી તેની ઉજવણી ચાલશે. આણંદ જિલ્લામાં કુલ 977 સ્થળો ગણેશજીની સ્થાપના કરવામાં આવ્યું છે. જેમાં આણંદ શહેરમાં 131 સ્થળોએ તેમજ  જિલ્લાના 217 ગામમાં ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.

મોંઘવારીની અસર

મોંઘવારીમાં મૂર્તિઓમાં પંદર ટકાનો વધારો નોંધાયો હતો. રૂપિયા 2500થી લઈને 20,000 રૂપિયા અને તેથઈ પણ વધારે કિંમતની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. મૂર્તિઓમાં 15 ટકાનો ભાવવધારો નોંધાયો હોવા છતાં કોઈ અસર જણાઈ નથી. મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે પીઓપીની મૂર્તિઓની જગ્યાએ  માટીના શ્રીગણેશની પધરામણી થવા પામી છે.



Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |