![]() |
દિવાળી નજીક, નવરાત્રિનો ધંધો મંદ |
નવરાત્રિની સાથે સાથે મેઘરાજાની રી
એન્ટ્રીએ ગરબા આયોજકો અને ખેલૈયાઓને નિરાશ કરવાની નેમ લીધી હોય તેમ સાંજના સમયે
પડીને આયોજકો અને ખેલૈયાઓની પરિક્ષા લઈ રહ્યો છે. આણંદ શહેરમાં પાંચમા નોરતે
વરસાદી વિરામ આપ્યા બાદ છઠ્ઠે નોરતે સાંજ આઠ વાગ્યે અચાનક વરસીને પાર્ટી પ્લોટના
ગ્રાઉન્ડ તેમજ રોડ રસ્તાઓ પાણી પાણી કરી દીધાં હતા. તેમ છતાં ખેલૈયાઓ અને આયોજકોના
ઉત્સાહમાં કોઈ ફેર પડ્યો ન હતો.
દર વખતે સપ્ટેમ્બર મહિનામાં વિદાય લેતું
ચોમાસું ઓક્ટોમ્બર મહિનાના મધ્ય ભાગ સુધી પોતાની હાજરી આપી રહ્યું છે. હવામાન
વિભાગના અનુસાર, 14મી ઓક્ટોમ્બર સુધી વરસાદ પડી શકે છે. જેમાં આંધ્રપ્રદેશ અને
ઓરિસ્સા પર ચક્રવાતી વાવાઝોડું આગળ વધી રહ્યું હોવાથી તેની અસરથી લો પ્રેશર ડેવલોપ
થયેલ છે. જેથી ચોમાસું લંબાવા પામ્યું છે.
પાંચમા નોરતે વરસાદે વિરામ આપ્યા બાદ લાગી
રહ્યું હતું કે હવે વરસાદે નવરાત્રિનો
પીછો છોડી દીધો છે. પરંતુ અચાનક રાતે આઠ વાગ્યે ધમાધમ વરસાદ શરૂ થઈ જતાં ખેલૈયાઓ
અને આયોજકો પલભર માટે વિચારમાં પડી ગયા હતા. આણંદ શહેરમાં અનેક આયોજકો વરસાદની
આગોતરી તૈયારી કરીને બેઠા હતા. જેમાં અનેક આયોજકોએ ગ્રાઉન્ડ પર ભરાયેલા પાણીના
નિકાલ માટે મોટર મૂકી, ઉપરાંત લાકડાનો વ્હેર પાથરવામાં આવ્યો તો અમુક જગ્યાએ ફ્લેટ્સ પાથરીને બ્રશિંગ કરવામાં આવ્યું હતું.
અને ત્યાર બાદ ગ્રીન કારપેટ પાથરી દેવામાં આવ્યાં હતા.
આયોજકો દ્રારા મોટી સંખ્યામાં લોકોને કામે
લગાડીને સત્વરે ગ્રાઉન્ડ પર પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જેથી ઘરેથી
અગિયાર વાગ્યે ગરબા રમવા નીકળતાં ખેલૈયાઓને નિરાશ થવું ન પડ્યું હતું. આણંદ
શહેરમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યાં હતાં.
મોટાભાગના લોકો માને છે કે ચાલુ વર્ષે
નવરાત્રિની મજા મરી પરવારી છે. નવરાત્રિ દરમ્યાન છાશવારે પડી રહેલા વરસાદને કારણે
મજા આવતી નથી. આ ઉપરાંત નવરાત્રિ દરમ્યાન લારીઓમાં ચાલતા વેપાર ધંધા ઉપર પણ પાણી
ફરી વળ્યું છે. દિવાળી નજીક છે અને મોટાભાગના લોકો નવરાત્રિ દરમ્યાન કમાણી કરી
લેતા હોય છે. પરંતુ આ વખતે નવરાત્રિમાં પડેલા વરસાદે ધંધાને ભારે અસર પહોંચાડી છે.