ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ડેરી ઉધોગની ફિલોસોફી બદલાઈ !!

રોજિંદા જીવનમાં દૂધ ઘણું અગત્યનું છે . જે દેશમાં રોજ દૂધ પીવાની શિખામણ આપતી  જાહેરાતો માટે કરોડો વપરાયા છે.  તે લોકોને જાણે દૂધના વધી રહેલા ભાવની કોઈ ચિંતા નથી. અને હવે જાણે મધ્મયવર્ગના  ખિસ્સાનો ભાર કેટલો છે તેની પરિક્ષા લેવાઈ રહી હોય તેમ તંત્ર ચૂપ છે. અમુક વર્ષથી સતત દૂધનો ભાવ વધીને આસમાને પહોંચી ગયો છે. અને તેમા વળી પેટ્રોલ, ડીઝલની જેમ એકાદ બે રૂપિયાનો વધારો સતત થઈ રહ્યો છે. એક તારણ અનુસાર જો આ પ્રકારે દૂધના ભાવમાં ઉછાળો આવતો રહેશે તો આગામી દસ વર્ષમાં દૂધ 100 રૂપિયે પ્રતિ લિટરે ખરીદવું પડશે. આ આર્ટીકલમાં કોઈ મોટી મોટી વાતો કરવી નથી. ચોખ્ખા અને સ્પષ્ટ મંતવ્યોનો સમાવેશ કર્યો છે. 

દરેકને એકસરખો પ્રશ્ન કરવામાં આવ્યો કે જેમાં દરેકે પોતાની રીતે જવાબ આપ્યાં છે. 

શું તમે માનો છો કે દૂધના વધી રહેલા ભાવ યોગ્ય

દરેકે પોતપોતાના મંતવ્યો આપ્યા છે. જેમાં ઉમંગ ભાવસાર જણાવી રહ્યાં છેકે કદાચ આ પ્રકારે જો દૂધનો ભાવ વધતો રહેશે તો ચ્હા પણ દૂર થઈ જશે.  મંતવ્ય સિવાય હકીકતની વાત કરીએ તો વર્તમાન સમયમાં નડિયાદ શહેરની વાત કરીએ તો ચા કીટલીએ છ રૂપિયા અને મલ્ટીપ્લેક્સમાં વીસ અને ત્રીસ રૂપિયે એક કપ ચ્હા વેચાઈ રહી છે. તો આણંદના ખ્યાતનામ મલ્ટીપ્લેક્સ અને ચ્હાની કીટલીએ નડિયાદ જેવા જ ભાવે ચ્હા મળી રહી છે.  જે સામાન્ય માણસ બિન્દાસ પણ પોતાના મિત્રવર્તુળ કે સહકર્મચારી સાથે ટાઈમપાસ માટે ચ્હા પીતો હતો હવે તે પણ વિચારીને ચ્હાની કીટલી તરફ જાય છે. તેવી પરિસ્થિતિમાં આગામી વર્ષોમાં ચ્હા સ્ટેટ્સ સિમ્બોલ બની જાય તો નવાઈ નહીં.  

જોકે અમુક જાગૃત વર્ગ જણાવી રહ્યો છે કે દૂધ કરતા દૂધના પાવડરની ચ્હા સસ્તી પડે છે. કારણ કે દૂદનો પાવડર વિદેશથી આવે છે અને ત્યાં દૂધ ઘણું સસ્તુ છે. અમુક વર્ગ એવો પણ છે જેમાંના અજીત ચૌહાણ માને છે કે પશુપાલન ક્ષેત્રની પોતાની સમસ્યા છે. પશુપાલન માટે જરૂરી દાણના ભાવ જોરદાર રીતે વધી રહ્યાં છે. જેની અસરથી દૂધનો ભાવ વધી રહ્યો છે. તેવી પરિસ્થિતિમાં પશુપાલકોને સસ્તા ભાવે દાણ આપવામાં આવે તે પ્રકારનું આયોજન જરૂરી બની ગયું છે. આ વર્ગ મક્કમપણે માને છેકે પશુઆહારના ભાવને કાબૂમાં કરવામાં આવશે તો જ દૂધનો ભાવ કાબૂમાં આવશે નહીં તો આ પ્રકારે પ્રજાને દૂધનો ભાવ વધારો સહન કરતા રહેવું પડશે.

આથી વિપરિત અમુક વર્ગ માને છે કે દૂધના ભાવમાં વધારો થવાની પશુપાલકોને કેટલા અંશે ફાયદો થઈ રહ્યો છે તે જાણવું જોઈએ. તેઓ ચોક્કસપણ માને છેકે દૂધની મંડળીઓ અને વચેટીયાઓને જ દૂધના ભાવ નો ફાયદો થાય છે. બાકી પશુપાલકોની સ્થિતિ તેવીને તેવી જ છે. પરંતુ આ કારણે મધ્યમવર્ગના ખિસ્સા ખાલી થઈ જાય છે.

ખેડૂતલક્ષી બાબતને પણ લોકોએ ઉજાગર કરી હતી. જેમાં તેમનું માનવું છેકે અનેક ખેતી કામ કરનારા મોટાભાગના લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. દૂધના ભાવ વધારાથી ખેડૂતોને શું ફાયદો થઈ રહ્યો છે તે જાણવું જરૂરી છે. પરંતુ તેઓ માને છેકે ખેડૂતોને કોઈ ફાયદો થયો હોય તેમ જણાતું નથી. જોકે અમુક યુવાનો એમ પણ માને છે કે ડૉ.કુરિયનની જરૂર છે. પરંતુ કમનસીબે તેઓ હવે હયાત રહ્યાં નથી. બાકી વર્તમાન સમયમાં બીજા લોકો દૂધમાંથી કેવી રીતે વધારે નફો લેવો તે નજરે જ કામ કરી રહ્યાં છે. અનેક લોકોનું માનવું છેકે દૂધના ભાવ વધારાની મલાઈ કોઈ બીજુ જ ખાઈ રહ્યું છે બાકી તો દૂધ વેચનારા અને લેનારા બન્ને પીસાઈ રહ્યાં છે. 

આ બાબતે કેતન પટેલે ડૉ. કુરિયનની ફિલોસોફી લોકો સમક્ષ મૂકી છે.  દૂધ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ. પરંતુ મોર્ડન ફિલોસફી પ્રમાણે ડેરી ઉધોગ એક અન્ય ઉધોગોની જેમ ઉધોગ જ છે. અને તેનો નફો દર વર્ષે નવા નવા શિખરે પહોંચવો જોઈએ.

( આ આર્ટીકલમાં અમુક વ્યક્તિઓના નામ નથી કારણ કે તેમના મંતવ્યો મોટાભાગે અન્ય લોકોના મંતવ્યો સાથે સરખા હતા. જેથી જેમાંથી એક વ્યક્તિના નામની પંસદગી થવા પામી છે. )


Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |