મુસ્લિમ બિરાદરોનું પવિત્ર પર્વ અને ત્યાગ બલિદાનની ભાવનાને ઉજાગર કરતાં બકરી ઈદનો તહેવાર ઘણો નજીક છે. 16મી ઓક્ટોમ્બરના રોજ મુસ્લિમ બિરાદરો ઈદ-ઉઝ-ઝુહા એટલેક બકરી ઈદ પર્વની ઉજવણી કરશે. ઈદ-ઉલ-ફીત્ર (રમજાન ઈદ)ની જેમ આ ઈદ-ઉઝ-ઝુહા (બકરી ઈદ) પણ સવિશેષ મહિમા ધરાવે છે.
બકરી ઈદના દિને બલિ માટે જરૂરી પશુઓનું વેચાણ અનેક દિવસો અગાઉ શરૂ થઈ જાય છે. ચરોતર પંથકના આણંદ શહેરમાં પોલસન રોડ પર મોટાપાયે બલિના પશુઓનું વેચાણ થાય છે. જેમાં બકરી, ઘેટા અને પાડાને ખરીદવા લોકો દૂર દૂરથી આવે છે. બકરી ઈદના નજીકના દિવસોમાં આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી પણ પશુ વેચનારા આવી જાય છે. જેની અસરથી પોલસન બજારના સ્થાનીય વેપારીઓના ધંધાને અસર પહોંચે છે. તેમ છતાં અઠવાડિયા અગાઉ પશુઓના ભાવ ગત વર્ષની સરખામણીએ ઘણાં ઉંચા બોલાઈ રહ્યાં છે.
બકરી ઈદના મહિના અગાઉથી જ મોટાપાયે પશુઓની ખરીદી બજારમાં શરૂ થઈ જાય છે. વર્તમાન સમમયાં એક બકરાનો ભાવ છ હજાર રૂપિયાથી શરૂ થઈને પચ્ચાસ હજાર રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. ગત વર્ષે બકરાનો ભાવ ત્રીસ હજાર રૂપિયા સુધી બોલાઈ રહ્યો હતો. અને આ વખતે બકરાની કિંમત પચ્ચાસ હજાર રૂપિયા સુધી રહેવા પામી છે. બજારમાં ઘરડા બકરાની કિંમત વધારે આવે છે અને જે સરળતા મળતા નથી. જેથી અનેક મુસ્લિમ બિરાદરો પોતાના મિત્રવર્તુળ સાથે ફરીને પણ ઘરડા બકરાની શોધ મહિના અગાઉથી શરૂ કરી દે છે.
મુસ્લિમ બિરાદરોના મતે જીવનમાં એક વખત પણ હજયાત્રાએ ગયેલી અથવા ન ગયેલી વ્યક્તિ આ દિને પશુબલિ ધરવાનું પોતાનું કર્તવ્ય સમજે છે. મક્કા નગરીમાં હજની ફરજ અદા કર્યાની સમાપ્તિના વળતે દિવસે ઈદ-ઉઝ-ઝુહા ઉજવવામાં આવે છે.
ઈસ્લામ ધર્મના જાણકારોના મતે પશુ બલિદાન ધરી મુસ્લિમો સ્વાર્પણના ભાવનાની અનુભૂતિ કરે છે. અલ્લાહતઆલાના આદેશ પ્રમાણે હઝરત ઈબ્રાહિમ પોતાના એકના એક વહાલસોયા પુત્ર હઝરત ઈસ્માઈલ અલૈયહિસલ્લામનું બલિદાન અર્પણ કરવાની તૈયારી કરે છે અને છરી ફેરવી પોતાની આંખો પરથી રૂમાલ કાઢતા પુત્રના સ્થાને ઘેટું કપાયેલું જુએ છે.
ઈદ-ઉલ-ફીત્ર (રમજાન ઈદ)ની જેમ આ ઈદ-ઉઝ-ઝુહા (બકરી ઈદ) પણ વિશેષ મહિમા ધરાવે છે. કારણ કે આ પર્વ પોતાની જાત સહિત સર્વસ્વ ધન, વૈભવ, સિદ્ધાંત, ન્યાય અને સત્ય માટે નિછાવર કરવાનું આહવાન આપે છે. આ ઈદ ખરેખર તેની છે જે માનવતાની હિફાઝત (રક્ષા) અસામાજિક તત્ત્વો, ત્રાસવાદ અને અધર્મના વિનાશ કાજે સઘળું હોમી દે છે.
મુસ્લિમ બિરાદરોના મતે કુરબાની માટે મુસ્લિમ બિરાદરો બે-ત્રણ મહિના અગાઉથી જ તૈયારીઓ કરી દે છે. અલ્લાહની રાહમાં જે પણ કુરબાન (સમર્પિત) કરવામાં આવે છે, તેમાં સતત વધારો થતો જાય છે. એ પછી સંપત્તિ હોય કે પછી અન્ય કોઈ વસ્તુ હોય. આ દિવસે સવારે ઈદુ-દ-દુહાની નમાઝ અદા કર્યા બાદ પોતાના ઘરે કુરબાની આપવાની હોય છે. જ્યારે અમુક હિસ્સો ગરીબ વર્ગમાં વહેંચવાનો હોય છે. કુરબાનીની રાત્રે ચાર રકાત નમાઝ પઢવામાં આવે તો અલ્લાહતઆલા તમામ ગુનાઓને માફ ફરમાવે છે. ( ઈકબાલ સૈયદ, ફોટોગ્રાફર, આણંદ )
Article Written By