વલસાડ જિલ્લાના ઉમરગામ
તાલુકા ના ભીલાડ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં દર્દીને સમયસર યોગ્ય સારવાર ન
મળતાં ચાલીસ વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ફરિયાદ થવા પામી છે. મૃતકના
પરિવારજનો હોસ્પિટલની બેદરકારીને દર્દીના મોતનું કારણ જણાવી રહ્યાં છે.
મળતી માહિતી
મુજબ, ભીલાડ સરકારી હોસ્પિટલમાં બોરલાઈ વિસ્તારમાં રહેતા ચાલીસ વર્ષીય મોહન સોમલા
ભાઈ સારવાર માટે આવ્યાં હતા. છેલ્લા અનેક દિવસોથી તેઓ બિમાર હતા. જેથી હોસ્પિટલમાં
યોગ્ય સારવાર મળે તે હેતુથી ભીલાડ સરકારી હોસ્પિટલે આવ્યાં હતાં. બપોર દરમ્યાન
આવેલા આ દર્દીને ડોક્ટર જમવા ગયા છે તેમ કહીને બેસાડી રાખવામાં આવ્યાં હતા. તેમની
સાથે આવેલી પત્ની કમુબહેન દ્રારા ડોક્ટરની ગેરહાજરીમાં હોસ્પિટલમાં ફરજ પર હાજર
રહેલી નર્સને સારવાર કરવા આજીજી કરવામાં આવી હતી. તેમ છતાં બિમાર દર્દીને સત્વરે
સારવાર મળે તે બાબતે કોઈ કાળજી લેવામાં ન આવી. આ દરમ્યાન હોસ્પિટલના મુખ્ય
દરવાજાની બહાર આવેલા બાકડા પર બેઠેલા દર્દીને અચાનક ગભરામણ થતાં તે મોતને ભેટી
ગયો.

મૃતકની પત્નીના
જણાવ્યા અનુસાર, સરકારી હોસ્પિટલમાં ફરજ પર હાજર રહેલા સ્ટાફે તેમની સાથે
ઉદ્ધતાઈભર્યું વર્તન કહ્યું હતું. જ્યારે દર્દીની પત્નીએ નર્સને ડોક્ટરની
ગેરહાજરીમાં પોતાના પતિની પ્રાથમિક સારવાર કરવાની આજીજી કરી હતી ત્યારે નર્સે
કહ્યું હતું કે ડોક્ટર નથી સારવાર તારો બાપ કરશે.
જાણકારોના મતે
સરકારી હોસ્પિટલમાં ઈમરજન્સી દરમ્યાન ડોક્ટરને ચોવીસ કલાક હાજર રહેવું પડતું હોય
છે. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોના મતે મૃતક
દર્દીને હોસ્પિટલ સ્ટાફે પ્રવેશ કરવા દીધો ન હતો. ઉપરાંત તેની કોઈ પણ જાતની દરકાર
લીધી ન હતી. જ્યારે દર્દી હોસ્પિટલના દરવાજે મોતને ભેટ્યો ત્યારે તેની પત્નીનું
રુદન સાંભળીને હોસ્પિટલ સ્ટાફ બહાર આવી ગયો હતો.
આ ઘટનાની જાણ
થતાં જ ગામના અગ્રણી લોકો આવી પહોંચ્યા હતા. અને હોસ્પિટલ ખાતે મોટો હોબાળો થવા
પામ્યો હતો. અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થવા પામી હતી .ભીલડ પોલીસ સ્ટેશને આ
બાબતે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. કાર્યવાહીના ભાગરૂપે પોલીસે
હોસ્પિટલ સ્ટાફ તેમજ પરિવારજનો નિવેદનો તેમજ મૃતકનાં શરીરને પોસ્ટમોર્ટમ માટે
મોકલી દેવામાં આવ્યો છે. ( તેજસ દેસાઈ, રિપોર્ટર,વાપી )
Article Written By