ચરોતર પંથકમાં સોમવારની રાતે ગમખ્વાર
અકસમાતોની ભરમાર જોવા મળી હતી. સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલી અકસ્માતોની વણઝાર એક
વાગ્યા સુધી જોવા મળી. જેમાં ખેડા અને આણંદ જિલ્લામાં ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણ
વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.
મળતી માહિતી મુજબ, ચરોતર પંથકના માતર,
મહુધા અને આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે અકસ્માતનો પહેલો બનાવ
અલીણા- ચોકડી રોડ પાસે સાંજે પાંચ વાગ્યે બન્યો હતો.જેમાં બાયડ તાલુકાના
નેત્રાલીયા ગામના વતની મહેન્દ્રભાઈ કોટવાલ પોતાનું બાઈક જી.જે 9.સી.ડી 1054 લઈ
અલીણા-લાડવેલ માર્ગ પરથી જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન છોટા હાથી ટેમ્પા ગાડી
ન.જી.જે 6.એ.ટી 9419 સાથે બાઈકની ટક્કર થવા પામી હતી. જેમાં બાઈક ચાલક
મહેન્દ્રભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઘટનાસ્થળે જ તેમનું મોત
નિપજ્યું હતું. જ્યારે મૃતકની પાછળ બાઈક પર સવાર તખતસિંહભાઈને ગંભીર ઈજાઓ પહોંચી
હતી .જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટના બાબતે મહુધા
પોલીસ મથકે ગુનો દાખલ થવા પામ્યો છે.
જ્યારે અકસ્મતાનો બીજો બનાવ સાડા નવ
વાગ્યે માતર તાલુકાના ગરમાળા ગામની ચોકડી
પાસે બન્યો હતો. જેમાં બાઈક સવાર રાજેશભાઈ માવજીભાઈ વાડેલ રાત્રિ દરમ્યાન ગરમાળા
ચોકડી પાસથી પસાર થઈ રહ્યાં હતા. તે દરમ્યાન બાઈક ખાડામાં પટકાયું હતું. જે
કારણોસર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યં હતું. જે બાબતે માતર
પોલીસે ગુનો દાખલ કર્યો હતો. અકસ્માતનો ત્રીજો બનાવ અમદાવાદ એક્સપ્રેસ
હાઈ-વે ખાતે બન્યો હતો. જેમાં એંગલો ભરેલી ટ્રક અને મહિન્દ્રા પીકઅપ વાન વચ્ચે થવા
પામ્યો હતો. મળતી માહિતી મુજબ, વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પાસે આવેલ
ટ્રાન્સપોર્ટની મહિન્દ્રા પીકઅપ વાન લઈને ખુશાલભાઈ મહાજન જઈ રહ્યાં હતા. તે
દરમ્યાન એંગલો ભરેલી ટ્રકે સામરખા ટોલનાકા નજીક મહિન્દ્રા પીકઅપ વાનને જોરદાર
ટક્કર મારી હતી. જેથી વાનના ચાલક ખુશાલભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ
બનાવની જાણ થતાં જ આણંદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અંગનો બનાવ
નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.(તસ્વીર - ઈકબાલ સૈયદ )
Article Written By